અમદાવાદઃ અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા પીએસઆઈ સામે દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાવવાના કેસમાં ગુરુવારે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી PSIના જામીન ફગાવી દીધા છે.
કોર્ટે આરોપી PSI શ્વેતા જાડેજાના જામીન ફગાવ્યા
અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા પીએસઆઈ સામે દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાવવાના કેસમાં ગુરુવારે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી PSIના જામીન ફગાવી દીધા છે.
અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં ગુરુવારે પોલીસ તરફે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં આરોપી PSI શ્વેતા જાડેજાની જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી વતી તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરા આંગડિયા મારફતે 30 લાખ રૂપિયા લીધા હતા. આ કેસના સહ-આરોપી દેવેન્દ્ર ઓડેદરા ફરાર છે, જ્યારે તપાસ બાકી હોવાથી જો આરોપીને જામીન આપવામાં આવે તો કેસની તપાસમાં હસ્તક્ષેપ કરી શકે જેથી જામીન ન આપવા જોઈએ. કોર્ટે સરકારી વકીલ સુધીર ભ્રમભટ્ટની દલીલને માન્ય રાખીને જામીન ફગાવી દીધી છે.
શ્વેતા જાડેજા તરફે દાખલ કરવામાં આવેલો જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દુષ્કર્મ કેસનો આરોપી કેનિલ શાહ અન્ય બે ગુનામાં સંડોવાયેલો છે. પોલીસ ફરિયાદ રદ કરવા માટે તેણે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અરજી દાખલ કરી હતી. આરોપી સામે ત્વરિત કાર્યવાહી ન થાય તે હેતુથી અરજદાર પીએસઆઇ પર ખોટા આક્ષેપ લાદવામાં આવ્યા હોવાનો અરજદાર તરફે દાવો કરવામાં આવ્યો છે. આરોપી કેનિલ શાહ પોતાની સામે દાખલ કરાયેલી દુષ્કર્મની ફરિયાદને રદ કરાવવા માટે આરોપી પીએસઆઇ પર ખોટી ફરિયાદ નોંધાવી દબાણ ઊભું કરવા માગતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસમાં ફરીવાર તપાસ કરવાનો આદેશ કર્યો હતો. જો કે, પીએસઆઇ સામે દાખલ FIRમાં બાતમીદારે કેનિલ શાહે આરોપીને 20 લાખ આંગડિયાથી મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પોલીસ તરફે આરોપી શ્વેતા જાડેજાની તપાસ માટે 7 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે, કોર્ટ દ્વારા માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ફરિયાદીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ અરજી કરી હતી. જેમાં થોડા મહિના અગાઉ કોઈ કેસ બાબતે મહિલા PSIએ 35 લાખ પડાવ્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં આરોપમાં તથ્ય હોવાનું જણાતા PSI વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ફરિયાદ નોંધીને મહિલા PSI વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.