અમદાવાદઃ ગુજરાત ATSના 11 અધિકારી તથા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ લોકો 2006ના કાલુપુર રેલવે સ્ટેશનના બ્લાસ્ટના આરોપીઓની કોલકાતાથી ધરપકડ કર્યા બાદ કાર્યવાહી કરી રહ્યા હતા. આરોપીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ 11 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
ATSના અધિકારી અને કર્મચારી ગત 18 ઓગસ્ટના કલકત્તા ખાતે કાલુપુર બ્લાસ્ટના આરોપીને પકડવા માટે ગયા હતા. જ્યાં બ્લાસ્ટ કેસમાં 14 વર્ષથી વોન્ટેડ આરોપી અબ્દુલ રજાક ગાઝીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં આરોપીનો કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આરોપીની ધરપકડ અને તપાસ કરવા ગયેલી ટીમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
ATSના PI જે. એમ. ગોસ્વામી, PSI કે. જે. રાઠોડ સહિતના કુલ 11 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ તમામ પોલીસ કર્મચારી અને અધિકારીને હોમ ક્વોરેન્ટાઇન કરી સારવાર આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી લઈને આવેલા ઈરફાન નામના આરોપીની પણ ATSએ ધરપકડ કરી હતી. જે બાદ આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનમાં વર્ષ 2006માં થયેલા બ્લાસ્ટના આરોપીઓને આશરો આપવા તથા બોર્ડર ક્રોસ કરાવવાનું કામ અબ્દુલ ગાઝી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટમાં મોહમ્મદ અસલમ ઉર્ફે અસલમ કશ્મીરી ઝૂલફિકર, અબુ ઝુદાલ સહિત અનેક લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ આ ગુનામાં સંડોવાયેલા હતા. જેમાંના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 9 આરોપીઓ હાલ પણ વોન્ટેડ છે. આ સાથે 3 આરોપીઓ કાશ્મીર ખાતે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.