કોરોનાએ સામાજિક સંસ્થાઓને પણ ભીંસમાં લીધીઃ લાખોની સંખ્યામાં વેચાતી રાખડીઓની માગણી નહિવત બની
અમદાવાદ શહેર રાખડી માટેનું હબ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરની અંધ કન્યા પ્રકાશગૃહની બાળકીઓએ રાખડીઓ બનાવી છે. બાળકીઓ જોઈ શકતી નથી છતાં તેઓ પોતાના કામમાં એટલી પારંગત છે કે તેમની બનાવેલી વસ્તુઓ ચપોચપ વેચાઈ જાય છે. સતત મહેનત અને પ્રેક્ટિસ કરીને એવા ગુણ હાંસલ કર્યા છે. પરંતુ આ વર્ષે કોરોનાનું ગ્રહણ અંધ પ્રકાશગૃહની બાળકીઓ બનાવેલી રાખડીઓને પણ લાગ્યું છે. દર વર્ષે 12 લાખથી વધુ વેચાતી રાખડીઓનું વેચાણ આ વર્ષે એક લાખ સુધી પહોંચે તો પણ બરાબર છે.
અમદાવાદઃ અંધ પ્રકાશગૃહની બાળકીઓએ બનાવેલી રાખડીઓનું વેચાણ દર વર્ષે જૂન મહિનાથી શરૂ થઈ જતું હોય છે અને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો તેમ જ વિદેશમાં પણ આ રાખડીઓ મોકલવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે લોકડાઉન આવી જતાં માર્ચ મહિનાથી છોકરીઓ પોતાના ઘરે ચાલી ગઈ છે અને જાન્યુઆરી તેમ જ ફેબ્રુઆરીમાં બનાવેલ રાખડીઓનું વેચાણ હાલ ચાલુ છે. દર વર્ષે 12થી 15 જેટલી બાળકીઓ આ રાખડીઓ બનાવતી હોય છે અને લોકોમાં પણ આ રાખડીઓ પ્રખ્યાત છે. રાખડીઓ બનાવતી આ બાળકીઓને દર મહિને રૂપિયા પણ આપવામાં આવતાં હતાં.