નકલી ઈન્જેક્શન કૌભાંડ: કોર્ટે આરોપી આશિષ શાહની રેગ્યુલર જામીન અરજી ફગાવી - આરોપી આશિષ શાહ
કોરોનાના નકલી ઈન્જેક્શન કોભાંડ મામલે આરોપી આશિષ શાહે વકીલ નિશાર વૈદ્ય મારફતે કરેલી રેગ્યુલર જામીનને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સેશન્સ જજ એન. એલ. દવેની કોર્ટે ફગાવી દીધી છે. કોરોનાના નકલી ઈન્જેક્શન મામલે વસ્ત્રાપુર પોલીસે 5 શખસની સામે ફરિયાદ નોંધી હતી. અમદાવાદ શહેર કમિશનરે આ મામલે કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચના હવાલે સોંપી દેવાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને વસ્ત્રાપુર પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં આરોપી આશિષ શાહની ધરપકડ કરાઈ હતી.

અમદાવાદઃ વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં થયેલી દલીલોમાં મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ પોતાની રજૂઆત મૂકી હતી કે, આરોપીએ કોરોના બીમારીના નામે લોકોની સાથે છેતરપિંડી કરી છે. લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય તેવી હરકતો કરી છે. જેને સાંખી ના લેવાય. એક તરફ દેશ આ મહામારીનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ આરોપીનું આ કૃત્ય ખૂબ જ શરમજનક છે માટે આરોપીને જામીન ન આપવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, આરોપી આશિષ શાહ અને તેના સાથીઓ રાતોરાત પૈસા કમાવવાની લાલચમાં બેફામ ઈન્જેક્શનનું વેચાણ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આશિષ શાહ સહિત 5 આરોપી સામે છેતરપિંડી અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટ હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી.