- શહેરના માર્ગો પર ઝાડ પર લટકતાં ટેડી બિયર આકર્ષણનું કેન્દ્ર
- મહામારીના કારણે માર્ગો પર વસ્તુઓ વેચતા લોકોની હાલત કફોડી
- બર્થડે, વેલેન્ટાઇન ડે અને ક્રિસમસ વેળાએ ટેડીબિયર, રેડ હાર્ટનું વેચાણ વધારે કોરોના કાળમાં ટેડીબિયર જેવા રમકડાંની સામે લોકો જોતાં પણ નથી
અમદાવાદ: શહેરની ખુલ્લી જગ્યાઓ, હાઇવે અને 200 ફૂટ રિંગ રોડ પરથી પસાર થતાં કેટલાક ઝાડ પર નાના મોટા ટેડીબિયર જોવા મળે છે. રંગબેરંગી ટેડીબિયરની સાથે બાળકોના વિવિધ આકારના ઝુલા, રબ્બરના હવા ભરેલા રમકડાં અને પાણીમાં રમવાની રબરની રિંગનું પણ વેચાણ થતું જોવા મળે છે. ક્રિસમસ, વેલેન્ટાઇન ડે, બર્થ ડેની ઉજવણીમાં વધારે વેચાતા હ્રદય આકારના શો પીસ તો ખરા જ. પરંતુ હાલની કોરોનાની મહામારીના કારણે રોડ પર પાથરેલી, ઝાડ પર લટકતી આ સામગ્રીની પૂછપરછ કે વેચાણ તો દુરની વાત કોઇ જોવાની દરકાર પણ લેતું નથી.
અમદાવાદમાં રસ્તાઓ પર વસ્તુઓનું વેંચાણ કરે છે ફેરિયાઓ
એક ગામથી બીજે ગામ વેપાર કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કેટલાક પ્રદેશમાં તૈયાર થતી ચીજ વસ્તુઓની ખરીદી વિશાળ શો રુમો માંથી મોંઘી પડે છે. એ જ વસ્તુઓ ગામે ગામ ફેરી કરી પેટિયું રળતા લોકો પાસે સસ્તા દરે મળી જાય છે. શહેરના માર્ગો પર બીજા પ્રાંતમાં બનેલા રમકડાં, કલાત્મક ચીજો, કોટી, ધાબળાં, ઝુલા જેવી અને ચીજ વસ્તુઓ લઈને ફરતાં લોકો જોવા મળે છે. શહેરની અંદર કે બહારની ખુલ્લી જગ્યાઓમાં માર્ગને છેડે પણ પથારા પાથરી સામગ્રી વેચતા પરપ્રાંતિયો જોવા મળી જાય છે. હાલ શહેરના એસ.જી.હાઇવે, ખોરજ, બોપલ નજીક રીંગ રોડ જેવા ખુલ્લા વિસ્તારોમાં નાની મોટી સાઇઝના રંગબેરંગી ટેડીબિયર ઝાડ પર લટકતાં જોવા મળે છે. આ સાથે બાળકો માટે પ્રાણીઓના વિવિધ આકારના રબ્બરના રમકડાં, પાણી ભરી રમવાની રીંગ પણ વેચાય છે.