- માસ્ક વગર ફરતા એક નાગરિકને માર મારવા બદલ પોલીસકર્મી સસ્પેન્ડ
- પોલીસકર્મી પરવાનગી વિના સરકારી ગાડી લઈને જમવા ગયો હતો
- મારઝૂડના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ
અમદાવાદઃ શહેરના પોલીસકર્મીએ માસ્ક વિનાના વ્યક્તિને પોતાની સોસાયટીમાં રોકીને માસ્ક માટે રકઝક કરી તેને માર માર્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યો હતો. જોકે, સીસીટીવી ફૂટેજ ન મળ્યા હોત તો પોલીસકર્મીઓની આવી દાદાગીરીની લોકોને અને ઉચ્ચ અધિકારીઓને ક્યારેય જાણ ન થઈ હોત.
કેવી રીતે સમગ્ર મામલો સામે આવ્યો?
ખોખરા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં ફરજ બજાવતો પોલીસકર્મી ભરત ભરવાડ એક તો પરવાનગી વગર સરકારી ગાડી લઈને ઘરે જમવા ગયો હતો. અને પછી તેની જ સોસાયટીના એક વ્યક્તિને માસ્ક ન પહેરવા બદલ માર માર્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. પોલીસકર્મી ભરત પોતે સરકારી બોલેરો ગાડી લઈ મંગળવારે બપોરે એક સોસાયટીમાં ગયો હતો. ગેટ પાસે એક વ્યક્તિ ફોન પર વાત કરતો હોય છે. ત્યારે ભરત ગાડીને રિવર્સ લાવી અને ફોન પર વાત કરતા વ્યક્તિ પાસે રોકી હતી. ભરત અને વ્યક્તિ બંને વચ્ચે વાતચીત થાય છે. દરવાજો ખોલી પગ રાખી પોલીસકર્મી વાતચીત કરવા લાગે છે અને બાદમાં ગાડીમાં બેસવા દબાણ કરે છે અને ન બેસતા ગાડીમાંથી લાકડી કાઢી તેને મારે છે.