- રાજ્યમાં કોરોના સંક્રમણનું તાંડવ
- કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ લખ્યો CMને પત્ર
- પત્રમાં કોરોના સંક્રમણને અટકાવવા આપ્યા સૂચનો
અમદાવાદ: હાલમાં કોરોના સંક્રમણ છેવાડાના ગામડાઓ સુધી પ્રસરી રહ્યું છે, રાજ્યના કોઈ ગામોમાં કોરોનાના કેસ ન નોંધાયા હોય તેવું રહ્યું નથી. આથી ગ્રામ્ય કક્ષાએ વધતા કેસને અટકાવવા જ્યાં સુધી નક્કર પગલાંઓ લેવામાં નહીં આવે ત્યાં સુધી મોટી માનવ જીંદગીઓને કોરોના છીનવી જવાની દહેશત છે. આ કહેવું છે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીનું, જેમણે ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી કેટલાક સૂચનો આપ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફની ભરતીની કરી માગ
રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મુખ્ય શહેરી વિસ્તારોમાં કોરોના સક્રમણ બેકાબૂ છે. તેવા સંજોગોમાં ગુજરાતના 18,000 ગામોમાં કોરોના સક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર દ્વારા પાયાના સુચનો સાથે નક્કર પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના માટેનું તાત્કાલિક નિદાન અને પુરતી સારવાર સમયસર મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ સુવિધા ઉપલબ્ધ હોવાની વાત તો દૂર રહી પરંતુ બધા તાલુકા કક્ષાએ આવી સુવિધા ઉપલબ્ધ નથી અને અમુક જીલ્લા કક્ષાએ પણ ખૂબ મુશ્કેલીઓ છે. ગ્રામ્ય કક્ષાએ 8-10 કે તેથી વધુ ગામો વચ્ચે માત્ર એક CHC કે PHC હોય છે ત્યાં પુરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટીંગ માટેની રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ત્યારે RT-PCR ટેસ્ટની તો વાત જ કયાં કરવી? આ સત્ય હકીકત છે જેને સ્વીકારવી જ રહી. ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફની ઘણા વર્ષોથી જગ્યાઓ ખાલી છે. આવા મહામારીના સમયે સરકાર ગ્રામ્ય કક્ષાએ આયોજન કરે અને ગામોના નાગરીકો કોરોના મુકત્ત રહે તે માટે સરપંચ કે તલાટી કમ મંત્રી મોટી માનવીય જવાબદારી નિભાવી શકે તેમ છે. કોરોનાને નાથવા માટે નીચેના પગલાંઓ ગ્રામ્ય કક્ષાએ સરકાર દ્વારા ભરવામાં આવે તો નાગરીકો કોરોનાના સંક્રમણથી બચી શકે તેમ છે.
પત્રમાં કોરોનાને નાથવાના આ ઉપાયો આપ્યા
- દરેક ગામમાં ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, સામાજીક-સેવાભાવી આગેવાનો અને ઉત્સાહી યુવાનોને કોરોના સેવક તરીકે સામેલ કરીને દરેક ગામમાં સરપંચશ્રીની અધ્યક્ષતામાં વિલેજ વોરીયર કમિટિની રચના કરવી જોઈએ. ગામમાં કોઈ પણ વ્યક્તિને તાવ-શરદી જેવા સામાન્ય લક્ષણો દેખાઈ તો આ કમિટિ તાલુકા આરોગ્ય કચેરીને જાણ કરે અને ડોકટરની ટીમ દ્વારા આવા નાગરીકોનું નિદાન કરાવીને સમયસર સારવાર અપાવી શકે. નિદાન થવાથી કોરોના હશે તો સંક્રમણ આગળ વધતું અટકશે અને દર્દી સમયસર જલ્દી સ્વસ્થ થશે.
- દરેક ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવે અને કંટ્રોલરૂમનો નંબર ગામના દરેક નાગરીકોને આપવામાં આવે.
- ગામમાં હોમ આઈસોલેશનની જરૂર હોય ત્યારે ગામના બધા નાગરીકોના ઘરે અલગથી હોમ આઈસોલેશન થઈ શકાય તેવી જગ્યા/મકાન હોતું નથી. તેથી ગામમાં કોઈ નાગરીકોના ઘરે આઈસોલેશનની યોગ્ય જગ્યા ન હોય અને હોમ કવોરીન્ટીન રાખવું શકય ન હોય જેના કારણે ઘરના એક સભ્ય દ્વારા બીજા સભ્યોને સંક્રમણનો ભોગ ન બને તે માટે ગામની પ્રાથમિક કે માધ્યમિક શાળામાં ૧૫-૨૦ બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવે અને તેની જવાબદારી કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને સોંપવામાં આવે.
- હોમ આઈસોલેશન કે શાળામાં આઈસોલેશન વોર્ડમાં રહેતા લોકોને દૈનિક મેડીકલ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવે અને આવા દર્દીઓને જરૂરી દવાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે.
- ગામમાં કોવિડની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે, લોકો ફરજીયાતપણે માસ્ક પહેરે, સોશ્યીલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવે અને કયાંય પણ લગ્ય પ્રસંગ કે બીજી કોઈ ભીડ એકઠી ન થાય તેની જવાબદારી ગ્રામ પંચાયતને સોંપવામાં આવે.
- ગામમાં કોઈ નાગરીકોને કોરોના સંબંધી આરોગ્યલક્ષી જરૂરીયાત હોઈ તો તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કે તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરી શકે તે માટે તેઓના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવે.
- તાલુકા કક્ષાએ કોરોના માટેનો હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે.
આ પણ વાંચો: હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર