બોર્ડના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પરિણામ: કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી - manish doshi comment on result
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ વહેલી સવારે જાહેર કરવામાં આવ્યું છે, જેને લઇ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
આ વર્ષનું પરિણામ ઈતિહાસનું સૌથી ખરાબ પરિણામ - કોંગ્રેસ પ્રવક્તા
શિક્ષણમાં ભ્રષ્ટાચારના કારણે ગ્રેડના ધોરણે પરિણામ નીચું
અમદાવાદ:રાજ્યમાં ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહના પરિણામ અંગે શિક્ષણવિદ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા મનિષ દોશી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં સૌથી વધુ કોઇ વ્યવસ્થાની અસર થઇ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા રહેલી છે. રાજ્યમાં 4 લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાં સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 100 ટકા પરિણામ બોર્ડનું જાહેર કરવામાં આવ્યું છે, જે ઇતિહાસનું સૌથી ખરાબમાં ખરાબ પરિણામ ગણવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આપ્યું ધોરણ 12ના પરિણામ પર નિવેદન
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણવિદ મનિષ દોશીએ કહ્યું કે, પરિણામ બદલ સૌથી પહેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી રહ્યો છું. પરંતુ ગુજરાતની કમનસીબી છે કે, સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓને કારણે આ વર્ષનું પરિણામ બોર્ડના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ છે. ચાર લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમાંથી માત્ર 691 વિદ્યાર્થીઓએ જ A ગ્રેડ મેળવ્યો છે. સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી 100% વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, પરંતુ ગ્રેડ પ્રમાણે પરિણામ નીચું છે. પરિણામથી શિક્ષણ વિભાગની નીતિ અને ભ્રષ્ટાચાર ખુલ્લું પડ્યું છે. શિક્ષણમાં ભ્રષ્ટાચાર કરતી સરકાર માટે જ પ્રમોશનનો નિર્ણય યોગ્ય છે, પરંતુ તેમાં માર્કની ગણતરી ખોટી સાબિત થઇ છે.