અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 2020-2021ના બજેટને લઇને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે, રાજ્યમાં 1.5 લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, જેને ભરવાનું કામ સરકાર કરતી નથી. રાજ્યમાં લાખો ઉમેદવારો ટેટ-ટાટ પાસ કરી નોકરીની રાહ જોઈને બેઠા છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પાસ થયા બાદ હજૂ સુધી સરકાર દ્વારા કોઈપણ જાતની ભરતી કરવામાં આવી નથી. રાજ્યમાં કોમ્પ્યુટરના શિક્ષકોની પણ ભરતી યોગ્ય રીતે કરવામાં નથી. જેથી ધોરણ 10 પછી ડ્રોપ આઉટ રેશિયામાં વધારો થયો છે.
રાજ્યમાં શિક્ષણ અંગેની સ્થિત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ - ગુજરાત કોંગ્રેસ
ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 2020-2021ના બજેટમાં શિક્ષણ ખાતામાં કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સવાલો ઉઠાવતા જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં શિક્ષણની સ્થિત કથળી રહી છે. અંદાજે 6,000 જેટલી સ્કૂલોને પણ તાળા લાગી ગયા છે. આ ઉપરાંત સરકારે રાઈટ ટૂ એજ્યુકેશનની માત્ર વાતો જ કરી છે.
વધુમાં મનીષ દોશીએ જણાવ્યું કે, સરકાર વર્ચ્યુઅલ ક્લાસની વાતો કરી રહી છે, જ્યારે એક્ચ્યુલ ક્લાસ જ બરોબર નથી ચાલતા. સરકારે બજેટમાં આંકડાની માયાજાળ રચી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. સરકારી ટેબલેટ આપવામાં પણ કરોડોનું કૌભાંડ થયું છે.
કોંગ્રેસ દ્વારા આંકડાકીય માહિતી પ્રસિદ્ધ કરતાં જણાવ્યું કે, કોઠારી કમિશન પ્રમાણે GDPના પ્રમાણમાં શિક્ષણ પાછળ 6% ફાળવવા જોઈએ, પરંતુ બજેટમાં 1.75% જ ફાળવવામાં આવ્યા છે. ગત 8 વર્ષમાં GDPના પ્રમાણમાં શિક્ષણ પાછળ રાજ્ય સરકાર ખર્ચ ઘટાડી રહી છે.