અમદાવાદઃ સરહદ પર ચીન સાથે યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે દેશપ્રેમની વાતો કરતી ગુજરાત સરકાર ચીન સાથે MoU રદ કેમ કરતી નથી. કેમ કે ગુજરાત સરકારને ચીન પ્રત્યે આટલો પ્રેમ કેમ છે. ચીન અને ભારત વચ્ચે પરિસ્થિતિ વણસી છે. ગમે તે ઘડીએ યુદ્ધ ફાટી નીકળે તેવા ભણકારા વાગી રહ્યા છે. ચીનનું નાક દબાવવા માટે કેન્દ્ર સરકારે પ્રથમ ચીનની એપ બંધ કરાવ્યા બાદ રમકડાની ખરીદી પર પ્રતિબંધ લાદ્યો છે. બીજી તરફ ચીન તરફથી દેશના મહાનુભાવોની જાસૂસી કરાવી હોવાની હકીકતોનો પર્દાફાશ થયો છે. ત્યારે ગુજરાત સરકારને ચીન પર આટલો પ્રેમ કેમ છે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ઉઠાવ્યો છે.
તેમણે કહ્યું કે, ચાઇના અને ચાઇનીઝ કંપનીઓના હિતો સાથે કરેલા રોકાણની જાહેરાતો અને તેની આજની વાસ્તવિકતા શું છે તે પણ સરકારે જાહેર કરવી જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના 2011ના શાસનમાં ફલાઇટ કનેક્ટિવિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, હાઉસીંગ, કુષિ અને વન, રમતગમત અને પ્રવાસન સહિતના 30થી વધુ જુદા જુદા સમજૂતીપત્ર થયા પણ કેટલું રોકાણ આવ્યું ? રોજગારીની નક્કર કોઈ વાત નથી. આ જ રીતે વર્ષ 2011માં ચાઇના એનર્જી કંપની દ્રારા ગ્રીન પાર્કના નામે 2500 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. હજુ સુધી આ કંપની દ્વારા જમીન પર કઇ જગ્યાએ પાર્ક બન્યો, તેમજ કેટલું વીજ ઉત્પાદન કર્યું તે ગુજરાતની જનતા જાણવા માંગે છે.