અમદાવાદ:અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હજુ સુધી વિપક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી નથી જેને લઇને કોંગ્રેસ પક્ષમાં ઘમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે શહેઝાદ ખાન પઠાણનું નામ વિપક્ષના નેતા તરીકે નક્કી થવાની વાત સામે આવતાની સાથે શહેઝાદ ઉર્ફે સન્ની વિરોધી બીજું જૂથ મેદાનમાં ઊતર્યું હતું, જેઓએ ગઈકાલે પ્રદેશ કાર્યાલય પહોંચી ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો અને બીજી તરફ મહિલા કોર્પોરેટરોએ પક્ષ સામે જ મોરચો માંડી સોશિયલ મીડિયામાં લખ્યું કે "લડકી હું લડ શક્તિ હું" તેવા પ્રકારનું નિવેદન આપ્યું છે.
કોર્પોરેટરોને પાઠવામાં આવી કારણ દર્શક નોટિસ
ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા સી.જે ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ અને નિરીક્ષકો સાથે હાલ બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં કોંગ્રેસ કોર્પોરેટરો દ્વારા પ્રદેશ કાર્યાલય બહાર આપવામાં આવેલા નિવેદનને ગંભીરતાથી લેવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા તમામ કોર્પોરેટરોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરેલા વર્તનના કારણે આ નોટિસ આપવામાં આવી છે. તમામ કોર્પોરેટરોએ સાત દિવસમાં આ નોટિસ અંગે ખુલાસો પણ કરવો પડશે તેવું જણાવવામાં આવ્યું છે, પ્રદેશ કાર્યાલય બહાર સર્જાયેલા ઘમાસાણ અંગેના વિડિયો પણ શિસ્ત સમિતિને સોંપવામાં આવ્યા છે જે અંગે હવે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે.