અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રાજ્યના કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પરંતુ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આ સાથે જ અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, નીતિન પટેલે લૉકડાઉનના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે, તો સવાલ એ છે કે શું લૉકડાઉનમાં ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને નુકસાન થયું નથી? તેમનું બજેટ ખોરવાયું નથી? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થિક નુકસાન થયું છે તેનો અભ્યાસ કર્યો નથી? લૉકડાઉનના કારણે અનેક લોકોની નોકરી છૂટી ગઈ ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા તો શું સરકારને તેમની કોઈની ચિંતા નથી?
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, સરકારની આવકમાં ઘટાડો થયો, તો એનું ભારણ પ્રજા પર કેમ કરવામાં આવે છે. જો સરકારને પોતાની આવક વધારવી હોય, તો મુખ્યપ્રધાન માટે 200 કરોડનું જે વિમાન ખરીદવામાં આવ્યું છે, તેની ડીલ કેમ રદ કરવામાં આવતી નથી. આ ઉપરાંત 22 વર્ષમાં કરોડોની જમીન ઉદ્યોગપતિઓને મફતમાં આપી, ત્યારે કેમ સરકારી તિજોરી પર કોઈ અસર થઈ નહોતી.