અમદાવાદ ગોધરા સબજેલમાં કેદ બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓને જેલ (Bilkis Bano case) મુક્ત કરાયા છે. બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓને જેલ મુક્ત કરવા રાજ્ય સરકારે હુકમ કર્યો હતો. મહત્વનું છે કે આ આરોપીઓ પર દાહોદમાં સામૂહિક દુષ્કર્મ, હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે ગુનો નોંધાતા CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે આરોપીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારને નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે આરોપીઓને જેલ મુક્ત કરવાનો આદેશ આપ્યો. તમામ 11 કેદીઓને મુક્ત કરવાનો હુકમ કરતા આજે તેઓને જેલ મુક્ત કરાયા છે.
શું હતી ઘટના 2002માં ગોધરાકાંડ વખતે અમદાવાદમાં 17 લોકોએ બિલકિસના પરિવાર પર હુમલો કર્યો હતો. ત્રણ માર્ચ 2002ના રોજ દાહોદ પાસે દેવગઢ-બારીયા ગામમાં ટોળાએ બિલકિસ બાનો અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન 7 લોકોની હત્યા કરી દેવાઈ હતી. જેમાં બિલકિસ પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરાયું ત્યારે બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ હતો. આ મામલે 21 જાન્યુઆરી 2008માં મુંબઈ કોર્ટ 12 લોકોને હત્યા અને દુષ્કર્મના આરોપી જાહેર કર્યા હતા. ત્યારબાદ ટ્રાયલ કોર્ટે તમામ આરોપીને ઉમર કેદની સજા આપી હતી. જોકે તમામ આરોપીએ મુંબઈ હાઈકોર્ટમાં ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ મુંબઈ હાઈકોર્ટે તમામ આરોપીની સજા યથાવત રાખી હતી.
ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ (Pawan Khera strike BJP) જણાવ્યું કે, આ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય ન્યાયતંત્રએ નથી લીધો પરંતુ સરકારે લીધો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 3 મહિનામાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. નિર્ણય શું હોવો જોઈએ તેનો કોઈ ઉલ્લેખ નથી. 1992ની માફી માટેની પોલિસી વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. કારણ કે જે પોલિસીના આધારે દોષિતોને માફી અપાઈ એ તત્કાલીન મોદી સરકારે 8 મે, 2013ના રોજ નાબૂદ કરી હતી. સામૂહિક બળાત્કાર અને હત્યાના 11 દોષિતોને એવી પોલીસીને આધારે મુક્ત કરાયા જે છે જ નહિ.