અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસમાં તમામ પદ પરથી રાજીનામું આપનારા કૉંગ્રેસના પૂર્વ નેતા પત્રકાર પરિષદ કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ છોડ્યા પછી પ્રથમ વખત ખૂલ્લા મન અને હૃદયથી વાત કરવા આવ્યો છું. વર્ષ 2015થી 2019 સુધી મન ચોખ્ખું રાખી આંદોલન કર્યું છે. મને જે કાર્યકારી પ્રમુખની જે જવાબદારી આપી હતી. તે માત્ર શોભાના ગાંઠિયા જેવી હતી.
મને 2 વર્ષ સુધી કોઈ જવાબદારી ન આપી-કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને જે કાર્યકારી પ્રમુખની જે જવાબદારી આપી હતી. તે માત્ર શોભાના ગાંઠિયા જેવી હતી. 2 વર્ષ સુધી મારી કોઈ જ જવાબદીર નક્કી કરવામાં આવી નહતી. જ્યારે કૉંગ્રેસમાં જોડાયો નહતો. ત્યારે તે જ નેતાઓએ મને કૉંગ્રેસમાં જોડાવવાનું આહ્વાન કર્યું હતું. આજે આ જ નેતાઓ મારી વિરુદ્ધ બોલી રહ્યા છે.
આ નેતાઓનેે પણ કૉંગ્રેસે હટાવ્યા- હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 1972માં પણ ચીમનભાઈને હટાવી દેવામાં આવ્યા હતા. વર્ષ 2012માં નરહરિ અમીનને પણ હટાવાયા હતા. કૉંગ્રેસમાંથી 10 વર્ષમાં 117 લોકો, 27થી વધુ ધારાસભ્યો, 12થી વધુ પૂર્વ લોકસભાના સભ્યો સહિતના લોકોએ પાર્ટી છોડી છે. એટલે કૉંગ્રેસ શિબિરની નહીં ચિંતનની જરૂર છે.
નરેશ પટેલ અંગે હાર્દિક પટેલનું નિવેદન -હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૉંગ્રેસના નેતા આજે રાજકોટ પહોંચ્યા છે. અહીં તેઓ 9.58 વાગ્યે નરેશ પટેલના ઘરે ગયા ને 10.10 વાગ્યે બહાર પણ નીકળી ગયા. માત્ર 12 મિનિટમાં શું ચર્ચા કરી હશે. એટલે ગુજરાત કૉંગ્રેસ માત્ર એજ બતાવવા માગે છે કે તેઓ નરેશ પટેલને કૉંગ્રેસમાં લાવવા માગે છે.
કૉંગ્રેસે મારું અપમાન જ કર્યું છે -હાર્દિક પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ નહતું આપવામાં આવતું. પાર્ટીના કોઈ પોસ્ટર પર મારો ફોટો પણ નહતો છપાતો. એક પણ બેઠકમાં મારું કોઈ સ્થાન જ નહતું. હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવા અંગે જણાવ્યું હતું કે, હજી સુધી મેં ભાજપમાં જોડાવવા અંગે કોઈ નિર્ણય નથી કર્યો. તેમ જ જો આગળ કોઈ નિર્ણય કરીશ તો તે પણ સ્પષ્ટપણે જણાવીશ.