અમદાવાદઃ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આક્ષેપ કરતા જણાવ્યું કે, AMC દ્વારા કોરોના વાઇરસથી મૃત્યુ પામતા નાગરિકોના આંકડાઓમાં ઘાલમેલ કરવામાં આવી રહ્યું છે. એક RTI દ્વાર માંગવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના સરકારી આંકડા અને સ્મશાનમાં નોંધાયેલા મૃતકોના આંકડા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
ગુરુવારે જ કોર્પોરેશન દ્વારા એક વિવાદિત ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં કોરોનાને લઈને મીડિયાના આંકડાઓ સાચા નહીં માનીને પોતાની વેબસાઈટના આંકડાઓને સાચા માનવા અંગે કહેવામાં આવ્યું હતું.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી આક્ષેપ કર્યો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાનગૃહમાં મે મહિનામાં મૃતકોની સંખ્યા 6,147 હતી. જેમાં AMCના ચોપડે મે મહિનામાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા 686 નોંધાઇ છે. તો બાકીના મૃત્યુ કયા રોગથી થયા? તે અંગે કોઈ જ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.
આ ઉપરાંત માર્ચ મહિનામાં કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં 2,685ના મૃત્યુ નોંધાયાા હતા, જ્યારે કોરોનાથી 3 વ્યક્તિના મોતની સત્તાવાર નોંધ થઈ છે. આ સાથે જ એપ્રિલ મહિનામાં 3,052 મૃત્યુ સ્મશાનગૃહમાં નોંધાયા હતા, જ્યારે AMCના ચોપડે કોરોનાથી 144 મોતની સત્તાવાર એન્ટ્રી થઈ છે. તો બાકીના મૃત્યુ કયા રોગથી થયા ? જૂન મહિનામાં 4,968 મો સ્મશાનગૃહમાં નોંધાયા હતા, જ્યારે કોરોનાથી 572ના મોત થાય છે. આવી જ રીતે જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાથી 151 અને 117 વ્યક્તિઓના મોતની સત્તાવાર નોંધ થઈ છે.
જો આંકડા સરખાવવામાં આવે તો, કોર્પોરેશન ખરેખર કોરોનાથી જે મોત થઈ રહ્યાં છે, તેના કરતાં ખૂબ નીચા આંકડા દર્શાવીને સરકારની વાહવાહી કરી રહ્યું છે, પરંતુ ખરેખરમાં કોરોનાની મહામારી ગુજરાતમાં ખૂબ ભયજનક છે.
ડૉ.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ આંકડા ફક્ત અમદાવાદમાં નોંધાયેલા સ્મશાનગૃહના આંકડા છે, જ્યારે કબ્રસ્તાનના આંકડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી. ગત કેટલાક સમયમાં જ્યારે કોરોના વાઇરસના ટેસ્ટિંગમાં પોઝિટિવિટી 35 ટકા હતી, તે ઘટીને અચાનક 2.5 ટકા થઈ ગઈ છે. કેવી રીતે તે કોર્પોરેશન સમજાવે?