ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલનો ચૂંટણી પ્રવાસઃ કોરોનાકાળના તમામ નિયમોની ઐસી કી તૈસી… - violation of Corona rules

ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રમુખ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસે છે. શુક્રવારે ત્રીજો દિવસ છે. પાટીલની કામગીરી અત્યાર સુધીના તમામ પ્રમુખ કરતા કંઈક અલગ પ્રકારના છે, તેઓ સોશિયલ મીડિયાના સહારે લોકપ્રિય નેતા બન્યા છે અને લોકસંપર્કથી વધુ જનપ્રિય થયા છે. પ્રદેશ પ્રમુખ બન્યા પછી તેમનો સ્પષ્ટ સંદેશ પાર્ટી માટે અને પાર્ટીના નેતાઓ માટે છે. તે સંદેશ શું છે અને તેમની કાર્ય કરવાની પ્રણાલી અંગે આજે ચર્ચા કરીશું. જો કે, પાટીલે સૌરાષ્ટ્રના પ્રવાસનો સમય ખોટો પસંદ કર્યો છે. કોરોના જેવો કપરો કાળ ચાલી રહ્યો છે અને રાજકીય સફર કરવી ઉચિત નથી. કેન્દ્ર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન્સ અને રાજ્ય સરકારના નિયમોનું સંદતર ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમ છતાં રાજકીય પ્રવાસ ચાલુ છે. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ પર ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ…

C R Patil
પાટીલનો ચૂંટણી પ્રવાસ

By

Published : Aug 21, 2020, 6:17 PM IST

Updated : Aug 21, 2020, 7:10 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી આવી રહી છે. તેમજ ચૂંટણીપંચે આ અંગે ગાઈડલાઈન પણ જાહેર કરી છે પરંતુ, પેટાચૂંટણીના સમયની કોઈ સ્પષ્ટા કરવામાં આવી નથી. જો કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સૌરાષ્ટ્રનો ત્રણ દિવસનો ચૂંટણી પ્રવાસ યોજીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે સપ્ટેમ્બર અંતમાં અથવા તો નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. સૌરાષ્ટ્ર પાટીદાર મતદારોનો ગઢ ગણાય છે અને સીએમ વિજય રૂપાણીનું હોમટાઉન પણ રાજકોટ છે. પ્રદેશ પ્રમુખપદે સી. આર. પાટીલ દક્ષિણ ગુજરાતથી આવે છે, તેમની પહેલાના પ્રમુખ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રના ભાવનગરથી હતા. હવે સાઉથ ગુજરાતના પાટીલ માટે સૌરાષ્ટ્રમાં સ્વીકૃતિ બને તે માટે પાટીદારોના ગઢમાં તેમણે પ્રવાસ ખેડ્યો છે. ગુજરાત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું ખૂબ મહત્વ હોય છે.

નિયમોની ઐસી કી તૈસી

રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, જેમાંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે.
રાજીનામાં આપનાર કોંગ્રેસી ધારાસભ્યના નામ

  1. ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા
  2. સુરેન્દ્રનગર-લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા
  3. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ
  4. અબડાસાના ધારાસભ્ય પ્રદ્મુમ્નસિંહ જાડેજા
  5. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત
  6. કરજણના ધારાસભ્ય અક્ષયકુમાર પટેલ
  7. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી
  8. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા

કોંગ્રેસના 8 ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યોમાં કપરાડાના જીતુ ચૌધરી, મોરબીના બ્રિજેશ મેરજા, અબડાસાના પ્રદ્મુમ્નસિંહ જાડેજા, કરજણના અક્ષયકુમાર પટેલ અને ધારીના જે વી કાકડિયા ભાજપમાં જોડાઈ ગયા છે. બાકીના 3 ધારાસભ્યો કયારે જોડાશે તે હજી નક્કી નથી.

પ્રદેશ પ્રમુખ પાટીલ

અતિમહત્વની વાત એ છે કે, વિધાનસભાની 8 બેઠકો પૈકી 4 બેઠકો સૌરાષ્ટ્રની છે, જેથી આ 4 બેઠકો જીતવા માટે પ્રદેશ પ્રમુખ પાટીલે કમર કસી છે અને સૌરાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો છે. સોમનાથના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી છે, પણ પ્રવાસમાં વિધ્ન આવ્યું છે. સોમનાથમાં સ્વાગતમાં ફટાકડા ફોડતી વખતે પ્રદેશ પ્રમુખ ઈજાગ્રસ્ત થયા હતા.

કોરોનાકાળમાં લૉકડાઉન અને અનલૉકના તમામ નિયમોના પાલન કર્યા વગર પ્રદેશ પ્રમુખ પ્રવાસે નિકળ્યા છે. સોમનાથ મંદિરથી 200થી વધુ મોટરકારનો કાફલો હતો. 10 કિલોમીટર જેટલી લાંબી લાઈનો સાથે ટ્રાફિક જામ હતો. સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવતાં તમામ શિવભક્તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં હતા, જ્યારે પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં આ બધુ ભુલાઈ ગયું હતું. સોમનાથ મંદિરના પરિસરમાં જ સમ્માન સમારોહમાં ફોટો સેશન થયું તેમાં 1500થી 2000 લોકો એકઠા થયા હતા. તે દરમિયાન પાટીલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તાલાલામાં પણ 90 જીપ્સી સહિત 400 વાહનોનો કાફલો હતો. અને 100 જેટલા ટુ વ્હીલર હતા. પાટીલના થોડીક મીનીટના રોકાણ દરમિયાન તાલાલામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સોમનાથમાં સી.આર.પાટીલ ગર્જ્યા હતા અને કહ્યું હતું કે, જે લોકો કામ નહી કરે તેને બદલી નાંખતા હું સમય નહી બગાડું. તે પછી ખોડલધામમાં પાટીલે કડક સંદેશ આપ્યો હતો કે, જુથવાદ હવે નહી ચાલે. જૂનાગઢમાં પાટીલે કહ્યું હતું કે, ભાજપના જ નેતાઓ જુથવાદ રચીને બેઠા છે, જુથવાદ હવે ચાલશે નહી, તમારુ જુથ માત્ર ભાજપ જ છે, ભાજપને જીતાડવા જ બધાને કામ કરવાનું છે. જે યોગ્ય ઉમેદવાર હશે તેને ટિકીટ મળશે. ગુજરાતની જનતા લોકસભાની 26 બેઠકોમાંથી 26 બેઠકો જીતાડી શકે, તો વિધાનસભામાં 182 બેઠકો કેમ જીતી ન શકાય. 2022માં આપણે 182 બેઠકો પર જીત હાંસલ કરીશું, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખોડલધામના નરેશ પટેલ સાથે પાટીલની મુલાકાતમાં પણ લાંબી ચાલી હતી, જેમાં પાટીદારો અને ભાજપ વચ્ચેના સંબધ વચ્ચે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. (પાટીદાર અનામત આંદોલન પછી કેટલાક પટેલ જુથ અને ભાજપ વચ્ચેના સંબધમાં તિરાડ પડી હતી)

ચૂંટણી પ્રવાસ
પાટીલનો ચૂંટણી પ્રવાસ

પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નિવદેનથી પાર્ટીમાં સોંપો તો પડી ગયો છે કે, હવે ટિકીટ માટે લોબીંગ નહી ચાલે. જો કે, આ બધી વાત તો પાર્ટીમાં શિસ્ત લાવવાની છે. પણ પાટીલના ત્રણ દિવસના ચૂંટણી પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. શ્રાવણ અને ભાદરવાના તમામ તહેવારોમાં મંદિરો બંધ કરી દીધા. રાજ્ય સરકારે જનમાષ્ટમીએ કૃષ્ણના તમામ મંદિરો બંધ કરાવ્યા. ભાદરવી પૂનમે અંબાજી મેળો ભરાય તો અંબાજી મંદિર બંધ કરવાનું જાહેર કરી દીધું. ગણપતિ ઉત્સવમાં ભીડ એકઠી ન થાય તે માટે જાહેરમાં ગણપતિની સ્થાપના નહી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું. જૈનોના પર્યુષણમાં દેરાસર બંધ, મુસ્લીમોનો ઈદનો તહેવાર અને મહોરમમાં મસ્જિદો બંધ કરાવ્યા. માસ્ક ન પહેરે તેણે રૂપિયા 1000નો દંડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તેની સામે ફરિયાદ થાય. શુંતમામ નિયમો અને દંડની જોગવાઈ આમ જનતા અને સામાન્ય માણસો માટે જ છે ?ભાજપે આવા કોઈ નિયમનોનું પાલન જ નહી કરવાનું ?

તમામ નિયમોની ઐસી કી તૈસી

ગુજરાતમાં કોરોના વાયરસના 1100થી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. હવે કોરોના રૂરલ વિસ્તારમાં ફેલાયો છે. આવા સંજોગોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલનો પ્રવાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેમના ચૂંટણી પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષા માટે પોલીસ તો સાથે હોય જ. પોલીસે તમાશો જોયો પણ કરે શું? પોલીસ પણ એક બીજાને પુછતી હશે કે સામાન્ય માણસોને દંડવાના છે, રાજકીય નેતાઓને નહી. આ કેટલું વ્યાજબી?

ભરત પંચાલ બ્યૂરો ચીફ, અમદાવાદ

Last Updated : Aug 21, 2020, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details