અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો - covid hospitals
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને જાણકારી આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.જેનાથી દર્દીઓના એડમિશનથી માંડીને ડિસ્ચાર્જ સુધીની સંપૂર્ણ માહિતી તેમના પરિવારજનોને મળી રહેશે.
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોના સંદર્ભની દેખરેખની કામગીરી -જવાબદારી જેમને સોંપાઇ છે તેવા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી દર્દીની સઘળી માહિતી તેના પરિવારજનોને ફોન દ્વારા આપવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગના ૪૦ જેટલા કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યાં છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માહિતીના અભાવે ક્યારેક ચિંતા-તણાવ અનુભવે તે સ્વાભાવિક છે. આવા સમયે તંત્ર દ્વારા એક આવકારદાયક આ પગલું ભરવામાં આવ્યું છે.
કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તૈયાર કરતા પૂર્વે કર્મચારીઓને વર્કશોપનું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શક વર્કશોપમાં મહેસૂલ વિભાગના અધિક સચિવ પંકજકુમાર ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ સેન્ટરમાં કામ કરનારા કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો કર્યાં હતાં.
ટ્રેનિંગ વર્કશોપ દરમિયાન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મોદી ૧૨૦૦ બેડ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.