- સરકારે અત્યાર સુધીમાં કુલ 15 તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે સોંપ્યા
- ‘રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર’નો અભિગમ આ તળાવો સાકાર કરશે
- અમદાવાદના નગરજનોને કાયમી ધોરણે મળશે હરવાફરવાના પર્યાવરણપ્રિય સ્પોટ
ગાંધીનગર : મુખ્યપ્રધાન રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકાને જે 4 તળાવ સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે, જેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના ચેનપુરના સર્વે નંબર 134ની TP 66, FP 208, 213, 223, 224 પર આવેલા 14,694 ચોરસમીટર ક્ષેત્રફળનું ગામ તળાવ, અસારવાના મુઠીયા ગામના બ્લોક નંબર 01માં આવેલા 41,278 ચોરસમીટરનું તળાવ, અસારવાના નરોડાના સર્વે નંબર 493/અ TP 1, FP 459માં આવેલા 1,31,087 ચોરસમીટરનું ગામ તળાવ અને વટવાના વિંઝોલ ખાતે સર્વે નંબર 363 TP 90, FP 8માં આવેલા 81,241 ચોરસમીટરનું તળાવના વિકાસ માટે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવા સૂચના આપી છે.
તળાવોમાં રિસાયકલ કરેલું પાણી ભરવામાં આવશે
અમદાવાદ મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવાફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવવામાં આવશે. મુખ્યપ્રધાને મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રિટેડ વોટરનો જે અભિગમ અપનાવવા આહવાન કરેલું છે, તે આ તળાવોમાં આવું રિસાયકલ્ડ વોટર ભરીને મહાનગરપાલિકા મુખ્યપ્રધાનના આહ્વાનને સાકાર કરી શકશે. એટલું જ નહીં, અમદાવાદ મહાનગરનું સ્યુએજ વોટર-વપરાયેલું ગંદુ પાણી STP દ્વારા શુદ્ધ કરીને આ તળાવોમાં નાંખવામાં આવતા આ તળાવો બારેય માસ ભરેલા રહેશે, તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઉંચા આવશે. આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવાફરવા તેમજ પ્રવાસન પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે.