ગુજરાત

gujarat

ETV Bharat / city

18 વર્ષના લગ્નજીવન બાદ નિઃસંતાન દંપતીને મળ્યું સંતાન સુખ, સિવીલના તબીબો જીત્યાં શિશુને બચાવવાનો જંગ

આપણા સમાજમાં માતાને સૌથી ઊંચો મોભો પ્રાપ્ત થયો છે, એટલે જ માતૃત્વને સુખની સંજ્ઞા મળી છે. પરંતુ સમાજમાં કમનસીબે એવી ઘણી બહેનો છે કે, જેને શેર માટીની ખોટ રહી જાય છે, તેમને માતૃત્વનું સુખ મળતું નથી અથવા તો લાંબા સમય સુધી તેના માટે ટળવળવું પડે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માતાની સુની ગોદને હરીભરી કરવાનો કિસ્સો બન્યો છે. જેમાં ડોક્ટર્સે દેવદૂત સમાન ભૂમિકા ભજવીને એક નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કરવામાં નિમિત્ત બન્યાં છે.

સિવીલ હોસ્પિટલ
સિવીલ હોસ્પિટલ

By

Published : Jan 8, 2021, 7:09 PM IST

  • 18 વર્ષના લગ્નજીવન બાદ અને અનેક નિષ્ફળતાઓ પછી શિશુનો જન્મ
  • 42 વર્ષના કોકિલાબહેનને પ્રિમેચ્યોર બાળકનો જન્મ થયો
  • 51 દિવસ સુધી બાળકને NICUમાં રખાયું

અમદાવાદઃ જશોદાનગર વિસ્તારમાં રહેતા કોકિલાબહેનના નસીબ પણ વિધાતાએ કંઈક અલગ જ લખ્યા હતા. લગ્ન પછીના 18 વર્ષ સુધી કોકિલાબહેનને જીવનની તમામ ખુશીઓ મળી પણ તેમને વિધાતાએ સંતાનના સુખથી વંચિત જ રાખ્યા હતા. કોકિલાબહેનને પણ અન્ય તમામ સ્ત્રીઓની જેમ પોતાની કૂખે સંતાનને જન્મ આપવાના ઓરતા હતા, પણ ઘણી વખત સુખનો કોળિયો મોઢાં સુધી આવીને પાછો વળી જતો. 18 વર્ષના લગ્નજીવનમાં કોકિલાબહેનને પાંચ વખત ગર્ભ રહ્યો, પણ સુખ જાણે ઊંબરા સુધી આવીને પાછું વળી જતું હોય તે રીતે દરેક વખતે પ્રસુતિ નિષ્ફળ રહી હતી.

સિવીલ હોસ્પિટલ

કોરોનાનું વર્ષ કોકિલાબહેન માટે આશાનું કિરણ લઈને આવ્યું

વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે કોરોનાની મહામારી લઇને આવ્યું હતું, પણ આ એ જ વર્ષ હતું કે જે કોકિલાબહેન માટે સંતાનનું વરદાન લાવ્યું હતું. કોકિલાબહેનને વર્ષ 2020માં ફરીવાર ઓધાન રહ્યું. પણ નસીબ વધુ એક વખત એક મોટો વળાંક લેવાનું હતું તે કોકિલાબહેન અને તેમના પરિવારને કદાચ ખબર નહોતી. નવેમ્બર 2020માં કોકિલાબહેનને સાડા છ મહિનાની ગર્ભાવસ્થામાં જ પ્રસુતિની પીડા ઉપડી. આ વખતે કોકિલાબહેન અને તેમના પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશાનું કિરણ દેખાયું, પરિવારજનો કોકિલાબહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યાં.

નિઃસંતાન દંપતીને મળ્યું સંતાન સુખ

કોકિલાબહેનના ગર્ભમાંથી પાણી છૂટી ગયું

સિવિલ હોસ્પિટલ આવ્યાં બાદ કોકિલાબહેનના ગર્ભમાંથી પાણી છૂટી ગયું, જેને તબીબી શૈલીમાં પ્રિ-મેચ્યોર રક્ચર ઑફ મૅમ્બ્રન્સ કહેવાય છે. આવી સ્થિતિમાં સામાન્ય પ્રસુતિ લગભગ અસંભવ હોય છે. હવે અહીંથી ડોક્ટર્સની દેવદૂત તરીકેની ભૂમિકા શરૂ થઈ, જેને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ બખૂબી નિભાવી હતી.

સાડા છ માસની પ્રિમેચ્યોર પ્રસુતિમાં સિઝેરીયન કરાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ 42 વર્ષની વયના કોકિલાબેનને માતૃસુખ આપવાનું બીડું ઝડપ્યું. હવે કોકિલાબહેનના નસીબ અને તબીબોની તજજ્ઞતા વચ્ચે જંગ છેડાયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના એસોસિએટ તબીબ ડૉ. તેજલ પટેલ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. શિતલ કાપડીયાની ટીમ દ્વારા કોકિલાબેનનું સિઝેરીયન કરવામાં આવ્યું. અહીં નોંધવું જરૂરી છે કે, સાડા છ માસની પ્રિમેચ્યોર પ્રસુતિના કિસ્સામાં બાળકના જીવતા રહેવાની શક્યતાઓ નહિવત્ જ હોય છે. જો બાળક જન્મે તો પણ ઓછા વજન સાથે જ જન્મતા હોય છે. સિઝેરિયન બાદ જ્યારે બાળક જનમ્યુ ત્યારે તેનું વજન માત્ર એક કિલોગ્રામ હતું.

એક કિલોના બાળકને બચાવવા ડોકટરોએ જંગ છેડ્યો

આ એક કિલોગ્રામના બાળક માટે પણ કોકિલાબહેનને 18-18 વર્ષ સુધી આતુરતાથી રાહ જોવી પડી હતી. કોકિલાબહેને ઊંડે સુધી ભરોસો હતો કે મારું બાળક જીવશે. તેમને કદાચ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પર ભરોસો હતો કે તેઓ બાળકને બચાવી લેશે અને થયું પણ તેવું જ તબીબોએ આ બાળકને મોતથી બચાવવા 51 દિવસ સુધી રીતસરનો જંગ છેડ્યો હતો. ઓછુ વજન હોવાના કારણે કોકિલાબહેનના બાળકને સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ. બેલા શાહ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. સોનુ અખાણીના માર્ગદર્શન હેઠળ N.I.C.U.ની સારસંભાળમાં રાખવામાં આવ્યાં. 51 દિવસ સુધી આ તબીબોની સતત અને સન્નિષ્ઠ દેખરેખ, સતત સારસંભાળ અને મહેનતના કારણે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થયું, ત્યારે હવે કોકિલાબહેન સાથે તેમના ઘરે પા…પા… પગલી માંડવા જઈ રહ્યું છે.

ડૉકટરોની કાળજીથી માતૃત્વનું સુખ મળ્યું

લાંબા સમય સુધી માતૃત્વથી વંચિત રહેલી એક માતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ માતૃત્વના સુખથી રૂબરૂ કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી માતૃત્વસુખથી વંચિત રહેલી બહેનોના જીવનમાં પણ આધુનિક ટેક્નોલોજી અને ડોક્ટર્સની કાળજી માતૃત્વની ખુશીઓ લાવી શકે છે.

નવજાત શિશુના જન્મ પછીની 52 દિવસની NICU સારવાર અત્યંત પડકારજનક

બાળરોગ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. સોનુ અખાણી કહે છે કે, ઓછા માસે પ્રસુતિના કારણે બાળક ફક્ત 1 કિ.ગ્રા જેટલા વજન સાથે જનમ્યું હતું. માતાને પ્રસુતિ પહેલા પાણી છૂટી (પ્રિ મેચ્યુઅર રક્ચર ઓફ મેમ્બરન્સ)જવાના કારણે બાળકને ચેપ લાગ્યો હતો. આ તમામ પરસ્થિતિઓ વચ્ચે બાળકની સારસંભાળ અત્યંત પડકારજનક બની રહી. સૌપ્રથમ અમે બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તેથી તેના અપરિપક્વ ફેફસાને પરિપક્વ બનાવવા અંદાજે 20 હજારની કિંમતના મોંઘા ઇંજેકશન આપ્યા. શરૂઆતના અઠવાડિયે બાળક નળી(આર.ટી.) દ્વારા ધાવણ લઇ રહ્યું હતું, 8 દિવસ બાદ કાંગારૂ મધર કેર દ્વારા બાળકે માતાનું ધાવણ લેવાનું શરૂ કર્યુ. બાળકના ચેપના વિવિઘ રીપોર્ટ કરાવવામાં આવ્યા. તેને સંલ્ગન એન્ટીબાયોટીક દવાઓ આપીને બાળકની સ્વાસ્થ્ય સ્થિતિ સુધારવામાં આવી. આ સંપૂર્ણ સારવાર દરમિયાન વચ્ચે બાળકનું વજન ઘટ્યુ પણ હતું, પરંતુ અમારી તબીબી ટીમની સધન સારવાર અને દેખરેખના કારણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે તેમાં પણ મહદઅંશે સુધાર આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details