અમદાવાદ : લોક ગાયિકા કિંજલ દવેને સિટી સિવિલ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. જે ગીતથી કિંજલ દવેની પ્રસિધ્ધિ મળી એ જ ગીત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કિંજલ દવેના 'ચાર ચાર બંગડી' ગીત વાળા કોપીરાઇટ કેસમાં સિટી સિવિલ સેશન્સ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. આ ગીતની સીડી વેચવા પર અને લાઈવ પરફોર્મન્સમાં પણ આ ગીત હવે કિંજલ દવે નહીં ગાઇ શકે. કિંજલ દવેએ ગીતમાં અમુક શબ્દોમાં ફેરફાર કરીને આ ગીત ગાયું હતું.
ગીતની સીડી ન વેચવાનો આદેશ ચેમ્બર જજ આનંદલીપ તિવારીએ કિંજલ દવે અને બે ફર્મ RDC મીડિયા તથા સરસ્વતી સ્ટુડિયોને કોપીરાઇટ હેઠળ રહેલા આ ગીતને સીડી અને કેસેટના રૂપે ન વેચવાનો આદેશ કર્યો છે. રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.