- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે
- શ્રીનાથજીના દર્શન કરીને પત્રકાર પરિષદ સંબોધિત કરી
- ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ઉભા રહેશે AAPના ઉમેદવાર
અમદાવાદ:ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ ગુજરાતની રણનીતિ અંગે માર્ગદર્શન મેળવવા માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન, અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal On Gujarat Visit) આમ આદમી પાર્ટીના(Aam Admi Party Gujarat) નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે, મુખ્યપ્રધાન કેજરીવાલે વલ્લભ સદન ખાતે શ્રીનાથજીના દર્શન કરીને પત્રકાર પરિષદ પણ સંબોધિત કરી હતી.
આ પણ વાંચો:આમ આદમી પાર્ટીના કાર્યાલયના થયું ઉદ્ઘાટન
આપ ગુજરાતની જનતા માટે ત્રીજો વિકલ્પ: કેજરીવાલ
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલેપત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં એવું કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસ-ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે છે ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ ઉપરાંત, જનતા અને વેપારીઓ પરેશાન છે. ત્યારે, આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે ત્રીજો વિકલ્પ બની ગુજરાતમાં ઊભી રહેશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં તમામ 182 બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખી ચૂંટણી લડાવશે.
આ પણ વાંચો:ARVIND KEJRIWAL GUJARAT VISIT: દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે, રાજ્યના રાજકારણમાં ગરમાવો
કેજરીવાલના ભાજપ સરકાર પર પ્રહારો
મુખ્યપ્રધાન કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાત ચેમ્બર્સએ મને આમંત્રણ આપ્યું હતું. પરંતુ, સરકારે ચેમ્બર્સ પર દબાણ કરી મારો કાર્યક્રમ રદ્દ કરાવ્યો હતો. રાજ્યમાં સરકારી હોસ્પિટલો અને સરકારી શાળાઓની હાલત દયનીય અને ખરાબ છે. તેમ છતાં સરકાર કોઇ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપી રહી નથી. આથી, હવે આમ આદમી પાર્ટી સક્રિય બની છે. આ દરમિયાન, જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર એક કર્મચારીએ મને રોક્યો અને ત્યારે તેમણે જણાવ્યું કે મારે તમારી સાથે સેલ્ફી લેવી છે. તે કર્મચારીએ મને પૂછ્યું કે તમે શા માટે અમદાવાદ આવ્યા છો. ત્યારે, મેં જણાવ્યું કે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આથી, અમદાવાદ આવવાનું પ્રયોજન ગોઠવાયું છે. ત્યારે, તે કર્મચારીએ કહ્યું કે, ઈશુદાન ગઢવી એક ગુજરાતનો કેજરીવાલ છે.
આ પણ વાંચો:કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ
દિલ્હી મોડલ કરતા ગુજરાત મોડલ અલગ હશે: કેજરીવાલ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે ઉમેર્યું હતું કે, 2022માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આયોજિત થઇ રહી છે. ત્યારે, ગુજરાતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને લડાવશે. આ ઉપરાંત, તેમને ગુજરાતના એક નવા મોડલનું પણ વચન આપ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, દિલ્હી મોડલ ગુજરાત મોડેલ કરતા અલગ છે. એટલે કે દિલ્હી મોડલ કરતાં પણ ગુજરાતનું મોડેલ કદાચ સૌથી વધુ શ્રેષ્ઠ બની શકે છે. વધુમાં તેમણે કહ્યું કે, 2022માં અહીં ગુજરાતની જનતાના મુદ્દા ઉપર ચૂંટણી લડવામાં આવશે અને ચહેરો પણ અહીંનો જ હશે. કેજરીવાલે ગુજરાતની કથળતી વર્તમાન સ્થિતિ માટે ભાજપ કોંગ્રેસની ખરાબ કામગીરીને જવાબદાર ગણાવી હતી. છેલ્લા એક વર્ષમાં કોરોના કાળ દરમિયાન ગુજરાતને અનાથ છોડી દેવામાં આવ્યું હતું. કોરોના કાળમાં ગુજરાતની ખબર પૂછવાવાળુ પણ કોઈ ન હતું. ત્યારે, હવે ગુજરાતના ખબર અંતર પૂછવા માટે આમ આદમી પાર્ટી તૈયાર થઇ રહી છે.
આ પણ વાંચો:આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત
ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ લેવા AAP કરી રહ્યું છે તનતોડ મહેનત
ઉલ્લેખનીય છે કે, 2022ના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે, 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનો કબજો રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના દ્વિપક્ષીય રાજકારણના કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવવાની ઈચ્છા ધરાવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં અરવિંદ કેજરીવાલે સુરત ખાતે રોડ શો કર્યો હતો અને ત્યારબાદ આજે સોમવારે અમદાવાદ ખાતેથી મહત્વની જાહેરાતો કરી છે.