- ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળાથી પરિસ્થિતિ ગંભીર
- હોસ્પિટલોમાં દર્દીઓની લાગી કતારો
- ગત વર્ષે ડેન્ગ્યુના ગણતરીના કેસ સામે ચાલું વર્ષે કેસ વધ્યા
અમદાવાદ: વર્ષ 2020માં આપણે કોરોના જેવી મહામારી સામે લડ્યા તો વર્ષ 2021 પણ આરોગ્ય માટે જાણે ગંભીર અસર લઈને જ આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષ મચ્છરજન્ય રોગચાળા (Mosquito Epidemic)ની ચિંતાજનક પરિસ્થિતિ ઉપજાવનારું રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)ના R.M.O.એ તો ત્યાં સુધી કહ્યું કે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ડેંગ્યુનો એક પણ કેસ (Dengue Cases) સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયો ન હતો, જ્યારે આ વર્ષે 325 જેટલા કેસ નોંધાયા હતા.
આ વર્ષે કેમ રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે?
સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા R.M.O. પ્રદીપ પટેલે Etv ભારતને જણાવ્યું હતું કે, "ગત વર્ષની સરખામણીએ ચોક્કસથી મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. પરંતુ આ વધારાની પાછળ એક કારણ એ પણ હોઈ શકે છે કે ગત વર્ષે લોકો કોરોનાના ડરના લીધે હોસ્પિટલ સુધી આવ્યા ન હોય. અહીં એ બાબત નોંધવા જેવી એ પણ છે કે ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષે વરસાદ ઓછો જ નોંધાયો છે. આજ સીઝનમાં સામાન્ય રીતે મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. આમ વરસાદ ઓછો હોવા છતાં ચાલું વર્ષે કેસમાં મોટો વધારો થયો છે."
ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળાનો કહેર ગત વર્ષ અને ચાલું વર્ષે મચ્છરજન્ય રોગચાળાના કેસની સરખામણી
ગત વર્ષે ઓગષ્ટમાં ડેન્ગ્યુના નોંધાયેલા 0 કેસની સામેં ચાલું વર્ષે 325 કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના ગત વર્ષે નોંધાયેલા 17 કેસની સામે ચાલું વર્ષે 53 કેસ નોંધાયા છે. આ સાથે સપ્ટેમ્બરમાં ગત વર્ષે મેલેરિયાના 11 કેસ સામે 153 કેસ નોંધાયા હતા. આ સાથે પીડિયાટ્રિક એટલે કે બાળકોના વોર્ડમાં પણ આ વર્ષે ભીડ જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલના R.M.O.પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો બાળકોમાં વધુ ચિંતાજનક છે. બાળકોમાં તકલીફ એ પડે છે કે તેઓ જ્યારે હોસ્પિટલમાં બતાવવા આવ્યા હોય ત્યારે તેમને તાત્કાલિક સારવારની જરૂર પડતા એડમિટ કરવા પડે છે."
મચ્છરજન્ય રોગચાળો ન વધે તે માટે શુ કરવું જોઈએ?
ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો એટલા માટે વધી જતો હોય છે કારણ કે આપણી આસપાસ ચોખ્ખા પાણીનો ભરાવો ઝડપથી અને સરળતાથી થઇ જાય છે. ચોખ્ખા પાણીમાં જ મલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરો બ્રિડીંગ કરતા હોય છે. આ બ્રિડીંગ ઝડપથી અને ખૂબ મોટો પ્રમાણમાં થાય છે. તેથી જરૂરી છે કે આપણી આસપાસ પાણીનો ભરાવો ન થાય. સોલા સિવિલ હોસ્પિટલના R.M.O.નું કહેવું છે કે, આ સીઝનમાં શરીરના તમામ અંગ ઢંકાઈ જાય તેવા ચુસ્ત કપડાં પહેરવા જોઈએ. તેમજ આપણી આસપાસના વિસ્તારમાં બળેલા તેલનો છંટકાવ કરવો જોઈએ.
આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં રોગચાળો વકર્યો, મેલેરિયાના 48, ડેન્ગ્યુના 46 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા
આ પણ વાંચો:Epidemic: બનાસકાંઠા જિલ્લામાં ઋતુગત રોગચાળાનું પ્રમાણ વધ્યું, આરોગ્યતંત્ર સળવળ્યું