- અમદાવાદનું કેમ્પના હનુમાન મંદિર ફરી ખોલવાની કવાયત
- 200 ભક્તો સાથે શરૂ કરાશે મંદિર
- આર્મીની પરવાનગીની જોવાઇ રહી છે રાહ
અમદાવાદ: આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલું કેમ્પના હનુમાન મંદિર શરૂ કરવા માટે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ચેરિટી કમિશ્નર તરફથી મંદિર શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આર્મી કેન્ટોનમેન્ટ ગેટમાંથી પસાર થતો હોવાથી આર્મીના અધિકારીઓ તરફથી હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી.
બેઠકમાં લેવાશે નિર્ણય
આ અંગે આર્મીના અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠકનું આયોજન થયું છે. જેમાં ચર્ચા થયા બાદ મંદિર ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.
મંદિર ખોલાય તો કેવી હશે વ્યવસ્થા?
જો કેમ્પના હનુમાનનું મંદિર શરૂ થાય તો કોરોનાની તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. સેનીટાઇઝર અને થર્મલ ગનથી સ્ક્રિનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. 200 ભક્તો એક સાથે મંદિરમાં પ્રવેશ કરી શકશે અને જેમ-જેમ ભક્તો બહાર આવશે તે પ્રમાણે બીજા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. મંદિરની અંદર કોઈપણ વ્યક્તિ વધારે સમય નહીં રોકાઇ શકે.
ભીડ નિયંત્રિત કરવા પોલીસની લેવાશે મદદ
વધુમાં જણાવીએ તો મંદિર ખોલ્યા બાદ જરૂર જણાશે તો મંદિર શરૂ થયા બાદ પોલીસની પણ મદદ લેવાશે અને લોકોની ભીડ મંદિર બહાર પણ ભેગી ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ માટે બેઠકમાં જે નિર્ણય લેવાશે તે નિર્ણય અંતિમ નિર્ણય ગણાશે.