- આમ આદમી પાર્ટીના નેતા ગુજરાતની મુલાકાતે
- મનીષ સીસોદીયાએ અમદાવાદમાં બે તબક્કામાં રોડ શો યોજ્યો
- એક કિ.મી.લાબો રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચૂક્યું છે અને તમામ પક્ષો મહદ અંશે પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ વિતી ગયો છે અને તમામ પક્ષોમાં ટિકિટને લઇને નારાજગી અને ભડકો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જેમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારક તરીકે દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદીયા અમદાવાદમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. પ્રચાર માટે બે ચરણમાં યોજવામાં આવેલા રોડ શો સફળ રહ્યા હતા.
રોડ શોમાં 200થી વધુ બાઈકો, સેંકડો રિક્ષાઓ સાથે સમર્થકો જોડાયા
અમદાવાદમાં મનીષ સિસોદીયાના રોડ શો બે ચરણમાં યોજવામાં આવ્યા હતા. જેમાં પૂર્વના વિસ્તારોથી લઇને પશ્ચિમ વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા. મનીષ સીસોદીયા સાથે ઉમેદવારોએ પણ રોડ શોમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. તેમના રોડ શોમાં 200 જેટલા બાઇક બને મોટી સંખ્યામાં ઓટો રીક્ષા લઈને લોકો જોડાયા હતાં. રેલીમાં કોરોનાના નિયમોને નેવે મૂકીને કાર્યકતાઓએ પ્રચાર કર્યો હતો. જોકે 1 કિ.મી લાંબી રેલીના કારણે ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો કાફલો પણ રેલીમાં જોવા મળ્યો હતો.