- ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ શરૂ
- ચાર દિવસ ચાલશે મિટિંગ
- બેઠકમાં પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પસંદગી કરાશે
અમદાવાદ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 81 નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે રવિવારથી 10 ફેબ્રુઆરી સુધી ચાર દિવસ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શરૂ થઈ હતી.
બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત
હજારો ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા સાંસદ અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચાર દિવસ ચાલનારી આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો, સંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રદેશના પદાધિકારીઓ પણ અનુક્રમે પ્રભારી ક્ષેત્ર મુજબ હાજરી આપશે. ઉમેદવારોની યાદી પસંદગી પ્રક્રિયામાં ભાગ લેશે.
ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે
પંચાયતોની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા નિરીક્ષકોએ પૂર્ણ કરી દીધી છે. સેન્સ પ્રક્રિયામાં હજારો ફોર્મ આવ્યા હતા. ઉમેદવારોની યાદી પસંદગી પ્રક્રિયામાં પાર્લામેન્ટરી બોર્ડના સૌ સદસ્યો ભાગ લેશે. કુલ 8,474 ઉમેદવારોની પંચાયતોની ચૂંટણી માટે પસંદગી કરાશે.