ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના પોઝિટિવ, 24 કલાક મોડો રિપોર્ટ કેમ જાહેર કરાયો? - ભરત પંચાલ

ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. એપોલો હોસ્પિટલ દ્વારા આજે RT-PCR રીપોર્ટ જાહેર કર્યો છે અને સી. આર. પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે તેમણે પ્રથમ એન્ટિજન રીપોર્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો, ત્યાર બાદ તેમણે RT-PCR રીપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. જે સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં ઉત્તર ગુજરાત પ્રવાસે અને ભાજપ કાર્યાલયમાં તેમના સંપર્કમાં આવેલા સૌ કોઈ નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાટીલનો કોરોના પોઝિટિવ રીપોર્ટ 24 કલાક મોડો કેમ જાહેર કરાયો? જુઓ ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રીપોર્ટ...

BJP state president
BJP state president

By

Published : Sep 9, 2020, 8:52 PM IST

અમદાવાદઃ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેના પગલે છેલ્લા દસ દિવસમાં તેમના સંપર્કમાં આવનારા તમામ કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે, અને હાલ ગુજરાતમાં કોરોના વાયરસ પરાકાષ્ઠા પહોંચ્યો છે, ત્યારે સી આર પાટીલે ચાર દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ કર્યો અને ત્યાર પછી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો, પાટીલ કોરોના વાયરસ લઈને પ્રવાસ કર્યો છે અને પ્રવાસ દરમિયાન તેમણે મોટી ભીડ એકઠી કરી હતી. જેથી તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો સંક્રમિત થશે, તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન્સનું પાલન કરવું દરકે નાગરિકની ફરજ છે, ત્યારે પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે તેમની અલગ છાપ છોડી છે, અને તેમણે પ્રમુખ બનતાની સાથે જ કડક અમલદાર હોય તે રીતે વર્તવાનું ચાલુ કર્યું હતું, જેથી ભાજપના વર્તુળોમાં નારાજગી પ્રવર્તી રહી છે. બીજી તરફ પાટીલ સૌરાષ્ટ્ર અન ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયા, ત્યારે કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન ન થયું, કેટલાય કાર્યકરોએ માસ્ક નહોતો પહેર્યા, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું થયું, સ્વાગત સમારોહ યોજાયો, રેલી યોજાઈ, 50થી વધુ માણસોની ભીડ ભેગી થઈ. ગરબા રમ્યા, ફટાકડા ફૂટયા, કાર્યકરો સાથે બેઠકો થઈ, આ બધુ થયું છતા તંત્ર ચુપ રહ્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કોરોના રિપોર્ટ

એટલું જ નહી કાલે સી આર પાટીલે એન્ટિજન રિપોર્ટ કરાવ્યો, ત્યારે તે રિપોર્ટ નેગેટિવ આવ્યો, પછી પાટીલ એપોલો હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં સીટી સ્કેન કરાવ્યું હતું, કોરોના માટે RT-PCR રિપોર્ટ કરાવ્યો, જે રિપોર્ટ ગઈકાલે જ આવી ગયો હતો કે પાટીલ કોરોના પોઝિટિવ છે, તો પણ તેને છુપાવવામાં આવ્યો અને 24 કલાક પછી જાહેર કરાયો. એપોલો હોસ્પિટલ દ્વારા કરાયેલ રિપોર્ટની જાણકારી ગઈકાલે જ આપી દેવાઈ હતી, પણ તે રિપોર્ટ જનતા માટે આજે જાહેર કર્યો છે. શા માટે 24 કલાક મોડો રિપોર્ટ જાહેર કરાયો? પાટીલના સંપર્કમાં આવનારા લોકો આઈસોલેટ થઈ શકે અને તેઓ કોરોના રિપોર્ટ પણ કરાવી લે. જો આ રિપોર્ટ કાલે જ જાહેર કરાયો હોત તો કાલે જ ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા કાર્યકરો અને તેમની રેલીમાં જોડાયેલા ભાજપના નેતાઓ તાત્કાલિક આઈસોલેટ થઈ શકત અને કોરોના રિપોર્ટ પણ કરાવી દીધો હતો. આ જ લોકોએ 24 કલાકમાં કેટલાક લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત કર્યા હશે. 24 કલાક મોડો રિપોર્ટ જાહેર કરવાનું કારણ શું?

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કોરોના રિપોર્ટ

અત્યાર સુધી કોરોના પોઝિટિવ આવેલ તમામ સેલિબ્રિટી અને નેતાઓ પોતે ટ્વીટ કરીને લોકોને જાણકારી આપી દે છે કે હું કોરોના પોઝિટિવ છું, મારા સંપર્કમાં આવેલા તમામ લોકો કોરોના રિપોર્ટ કરાવી લેજો. પણ પાટીલે આવી કોઈ ફરજ બજાવી નથી. 24 કલાક રીપોર્ટ છુપાવીને તેઓ કોરોના વાઇરસના સુપર સ્પ્રેડર બન્યા છે.

ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યા તેમની અગાઉ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ અને તેમના પત્ની કોરોના સંક્રમિત થયા છે. તે અગાઉ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં 7 લોકો પોઝિટિવ થયા હતા. આજે સવારથી કમલમ પર એન્ટ્રી બંધ કરી દીધી હતી. ગાઈડલાઈન્સનું યોગ્ય પાલન કરાયું, જરૂરી કર્મચારીઓ જ કમલમમાં પ્રવેશ્યા હતા. આવું બધુ પહેલા થયું હોત તો કોરોનાનું સંક્રમણ ન ફેલાયું હોત. ગાઈડલાઈન્સનું પાલન માત્ર આમ જનતાએ જ કરવાનું છે, અને ઉલ્લંઘન થાય તો દંડ પણ આમ જનતાએ જ ભરવાનો. નેતાઓ માટે ગાઈડલાઈન્સ હોતી નથી.

ભરત પંચાલ બ્યૂરો ચીફ ઈ ટીવી ભારત ગુજરાત

ABOUT THE AUTHOR

...view details