- ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ સમિતિ મોટુ શસ્ત્ર
- કોંગ્રેસની ચૂંટણીઓને લઈને કોઈ તૌયારી નહીં
અમદાવાદ : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. પહેલી ફેબ્રુઆરીએ ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થશે. ગુજરાતમાં 6 મહાનગર પાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણીઓ 21મી ફેબ્રુઆરીએ યોજાશે. ગુજરાતમાં ચૂંટણીના આ કુંભમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટી વચ્ચે જંગ જોવા મળશે.
ભાજપના કાર્યકરો સૌથી વધુ સક્રિય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે. ચૂંટણી આવવાની નક્કી હતી, તેથી ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓમાં બૂથ લેવલની પેજ સમિતિનું કાર્ય એ જ ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય શસ્ત્ર રહેશે. મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ ક્યાંય દેખાતો નથી, તેની તૈયારીઓ પણ નથી. વિકાસના કાર્યો અને કાર્યકર્તાની સક્રિયતા સાથે ભાજપ લોકો વચ્ચે જશે અને વિજયી બનશે.