- ગુજરાતમાં કોરોના અંગે થઈ સરકાર પર કોંગ્રેસના પ્રહાર
- ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરાજસિંહે ઉઠાવ્યા સવાલ
- રેમડેસીવીર ઈન્જેક્શન અંગે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરાજસિંહે સવાલ ઉઠાવ્યો છે કે, રેમડેસીવીર ઈન્જેક્શનો ગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ, મેડિકલ સ્ટોર્સ પર નથી, ત્યારે ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો? શું કમલમ કોઈ ફાર્માસ્યૂટિકલ કંપની છે? ભાજપે કયા મેડિકલ નિયમો મુજબ 5,000 રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો મેળવ્યો અને કયા સોર્સથી મેળવ્યો? જેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જોઈએ.
આ પણ વાંચો -સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતારો લાગી
કોંગ્રેસનો સવાલ - ભાજપે ક્યા નિયમો મુજબ 5000 રેમડેસીવીર ઈન્જેક્શન મેળવ્યા?
ગુજરાતની જનતા પોતાના પરિવારજનોના જીવ બચાવવા માત્ર 6 ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેર સંપર્કો અને ભાગદોડ કરી રહે છે, તેમ છતાં લોકોને રેમડેસીવીર મેળવવા મુશ્કેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખૂટી પડ્યો છે. મેડિકલ રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી. એવી સ્થિતિમાં સી. આર. પાટીલ 5,000 ઈન્જેકશન કયા સોર્સથી લાવ્યા? આ અતિ ગંભીર સવાલ છે. જો સી. આર. પાટીલને સેવા જ કરવી હોય તો, જેમ ડ્રેગન ફ્રૂટને કમલમ કરી નાંખ્યું તેમ, કમલમને કોવિડ સેન્ટરમાં ફેરવી નાંખવું જોઈએ. તમામ જિલ્લા સ્તરે બનાવેલા વૈભવી કાર્યાલયો લોકોને ક્વોરેન્ટાઈન થવા ખુલ્લા મૂકવા જોઈએ.
ભાજપ લોકોના મૃતદેહો અને લોકોના દુ:ખ પર રાજનિતિ કરે છે : કોંગ્રેસ ઉલ્લેખનીય છે કે, સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જે દર્દીઓને ઇન્જેક્શનોની જરૂરિયાત હોય તેઓભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે. જે બાદ આ સમગ્ર વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચો -કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સુરત આવી પહોંચી
કોંગ્રેસે શું ઉઠાવ્યા સવાલો?
માત્ર સુરતમા જ કેમ? શું પાટીલ માત્ર સુરતના જ પ્રમુખ છે? પાટીલને સેવા કરવી હોય તો આખાય ગુજરાત ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડેસીવીર મફત વહેેંચવા જોઈએ. એટલું જ નહીં, 6 ઈન્જેકશન એક દર્દી માટે જરૂરી છે, ત્યારે ભાજપ દ્વારા દર્દી દીઠ 1 ઈન્જેક્શન વહેંચી જાણે, થોડાક શ્વાસ ઉધાર આપવાની નિર્દયતા છલકાઈ રહી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, રસીકરણની વેક્સિન પેજ પ્રમુખો અને ભાજપ કાર્યકરો દ્વારા અપાવવાના રાજકીય પ્રયાસ બાદ સી. આર. પાટીલનો કોવિડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે. પાટીલનો પ્રજાને સીધો સંદેશ છે કે, તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે, મેડિકલ સ્ટોર્સ કે દવાખાના નહી. આખી સિસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે.
જાણો શું છે સમગ્ર ઘટના?
સુરતમાં ભાજપ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે : સી.આર.પાટીલ
સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરી. સુરતમાં ભાજપ 5,000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે. જેને જરૂર હોય તેણે ભાજપનો સંપર્ક કરવાની કરી અપીલ કરી છે. સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇંજેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
108ના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની પણ વ્યથા સાંભળી હતી
હોસ્પિટલ બહાર ઊભા રહેલા કોરોના દર્દીઓના પરિવારજનો સાથે સી.આર.પાટીલે વાતચીત કરી હતી. એટલું જ નહીં 108ના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની પણ વ્યથા સાંભળી હતી. તેઓએ જણાવ્યું છે કે, સુરતને મુખ્યપ્રધાન દ્વારા ઇન્જેક્શન અને ઓક્સિજનની સગવડ મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરી દેવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, જે દર્દીઓને ઇન્જેક્શનોની જરૂરિયાત હોય તેઓભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે.
સુરતમાં દરરોજ 800થી વધુ કેસ નોંધાય છે
કોરોના વિસ્ફોટના કારણે સુરતની સ્થિતિ દયનીય બની છે. અહીં રોજે 800થી વધુ કરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરતના નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવી પહોંચ્યા હતા. તેઓએ હાજર કોરોનાના દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.