ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થતાં ચિંતન શિબિર રદ
ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આગામી ચૂંટણીઓ જીતવા કોરોના સંક્રમણ કાળમાં સમગ્ર ગુજરાતમાં રેલીઓ કાઢી અને અવારનવાર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીટિંગો યોજી હતી. પરિણામ એ આવ્યું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતે તો કોરોના સંક્રમિત થયાં અને સાથે સાથે ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા સહિત અન્ય છ લોકો પણ કોરોના સંક્રમિત થયાં.
અમદાવાદઃ આ પરિસ્થિતિમાં કમલમમાં સતત આવ-જા કરતા લોકો કોરોના પોઝિટિવ નીકળતાં હવે નિયમ પ્રમાણે આ લોકોએ 14 દિવસ કવોરંટાઈન રહેવું પડશે. જ્યારે પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રવકતા જ કોરોના સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ થવાથી, કમલમમાં આગામી 14 દિવસ સુધી મીટીંગ યોજાવાની શક્યતા નહિવત છે.
ત્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ભાજપની ચિંતન બેઠક કમલમ ખાતે યોજાવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપહાસનું કેન્દ્ર બની ગઈ છે. તો પહેલેથી જ કોરોના સંક્રમણના સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ગુજરાતના જુદા-જુદા ક્ષેત્રોની યાત્રાને કોંગ્રેસે કોરોના યાત્રા કહીને ઠેકડી ઉડાડી હતી, તે આજે સત્ય સાબિત થઈ છે.