- ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના શપથ રહ્યા રદ્દ
- ગુરૂવારે યોજાશે પ્રધાન મંડળની શપથ વિધિ
- નારાજ સિનિયર ધારાસભ્યોને મનાવવાની પ્રક્રિયા શરૂ
અમદાવાદ: ગુજરાતમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ હજુ સુધી રાજ્યનું પ્રધાનમંડળ નક્કી થઈ શક્યું નથી. આજે બુધવારે પ્રધાનમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાવાની હતી, પરંતુ તેને અચાનક જ રદ્દ કરવામાં આવી છે અને આવતીકાલે રાજ્યનું નવું પ્રધાનમંડળ શપથ લેશે.
ધારાસભ્યોનું લોબિંગ ચાલુ
આ શપથવિધિ ન થવાનું મુખ્ય કારણ સિનિયર ધારાસભ્યોની નારાજગી છે. આજે બુધવારે વહેલી સવારથી જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવાસસ્થાને રાજ્યના જુદા-જુદા જીલ્લાઓમાંથી ધારાસભ્યો ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો અને સાંસદો પણ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરૂવારે શપથ લેનારા પ્રધાનોની કુલ સંખ્યા 27 હશે. જેમાં મહિલાઓને પણ સ્થાન આપાશે. યુવાઓને સ્થાન આપાશે. 60 વર્ષથી ઉપરના પ્રધાનો ખૂબ જ ઓછા હશે. ખાસ કરીને તમામ જ્ઞાતિઓને આવરી લેવાય તેવી ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટી તૈયાર કરી રહી છે. તો બીજી તરફ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગુજરાતના પ્રધાનો નક્કી થશે તે વાત નક્કી છે.