અમદાવાદઃ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે, તેમ હવે કોંગ્રેસ ભાજપ પર જૂઠા આક્ષેપો કરે છે. એક સીધીસાદી વાત છે કે દેશમાં કે વિશ્વમાં કોઇપણ સરકાર કે કોઈપણ રાજકીય પાર્ટી એવું ન ઈચ્છે કે પોતાના શાસિત રાજ્યમાં કોઈ આંદોલન થાય. કોંગ્રેસવાળા જુઠાણું ચલાવે છે, કોંગ્રેસ હમેશા કોઇપણ ઘટના માટે 2 મોઢાની વાત કરે છે.
આજે કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવવાની વાત કરે છે. ત્યારે સંવિધાન, ગાંધીજી અને સરદાર પટેલ આ ત્રણેયની વાતો કોંગ્રેસના મોઢેથી શોભતી જ નથી. કારણ કે, આ ત્રણેનું સતત અવમૂલ્યન અન્યાય અને અપમાન માટે કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસ કયા મોઢે સંવિધાનની વાત કરે છે, કે જે કોંગ્રેસે બંધારણમાં સુધારા કર્યા છે. જે કોંગ્રેસ 50 વાર 356નો દુરુપયોગ કરીને લોકશાહી અને લોકમતથી ચૂંટાયેલી રાજ્ય સરકારને બરખાસ્ત કરવાનું પાપ કર્યું છે. જે કોંગ્રેસને દેશમાં 635 દિવસની કટોકટી નાખીને લોકતંત્ર તેમજ મીડિયા તંત્રને બાનમાં લઇને લાખો લોકોને જેલમાં પૂરીને અત્યાચાર કર્યા હતા. તે કોંગ્રેસ કયા મોઢે સંવિધાનની બચાવવાની વાત કરે છે. કોંગ્રેસે ગાંધીજીના સત્ય અહિંસાના સંદેશને સમજતી નથી, તેનાથી ઊલટું કરે છે. કોંગ્રેસ અસત્ય બોલે છે, પ્રેમના બદલે ઝેર ફેલાવે છે, અને અહિંસાની જગ્યાએ હિંસા ફેલાવવાનું ષડયંત્ર કરે છે.