અમદાવાદ: ઘઉં અને ડાંગરના માલની લે-વેચ બાવળાના એ.પી.એમ.સી.માં આજથી ખરીદ, વેચાણની શરૂઆત કરવામાં આવી છે. જે ખેડૂતો પોતાનું કૃષિ ઉત્પાદન વેચવા માંગતા હોય તેવા ખેડૂતોએ ફોનથી બુકિંગ કરાવે, ત્યારબાદ તેમના મોબાઇલમાં તારીખ અને સમયને લગતો ઓટોમેટિક મેસેજ ખેડૂતના મોબાઇલમાં આવશે. જે ખેડૂતના મોબાઇલમાં આવો મેસેજ આવશે તેવા ખેડૂતને જે તે દિવસે એ.પી.એમ.સી.માં પ્રવેશ આપવામાં આવશે. એક દિવસે 100 જેટલા ખેડૂતોને જ કૃષિ પેદાશના વેચાણ માટેની પરવાનગી આપવામાં આવશે, તેમ બાવળા પ્રાંત અધિકારી કુંજલ શાહે જણાવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા આ નોંધાયેલા ખેડૂતોની યાદી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી છે. જેથી ખેડૂતને પ્રવેશ માટેની કોઇ તકલીફ પડે નહીં. એ.પી.એમ.સી.માં ઘઉં અને ડાંગર બંન્ને માટે અલગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વેપારી દ્વારા આ કૃષિ પેદાશની હરાજી દ્વારા ખરીદી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સુરક્ષાની પૂરતી તકેદારી રાખીને ગુજરાતના ગંજ બજારો તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ દ્વારા સંચાલિત ખેડૂત બજારો શરૂ કરવા માટે લીધેલા નિર્ણય અન્વયે બાવળાનું બજાર આજથી ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
બાવળા એ ઘઉં અને ડાંગર માટેનું મોટું બજાર છે. અત્યારે તેની સિઝન ચાલી રહી છે. ખેડૂતોએ ખેતરમાંથી પોતાના ઘરે લાવેલો જથ્થો બજાર બંધ હોવાને કારણે ખેડૂતો વેચી શકતા નહોતા. તેવા ખેડૂતો રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયથી પોતાના ઘઉં અને ડાંગર હવે બજારમાં વેચી શકશે.
ખાસ કરીને નાના ખેડૂતો કે જેઓ પોતાના ખેતરમાં કે ઘરમાં કૃષિ પેદાશ પડી હતી છતાં, તેનું વેચાણ કરી શકતા નહોતા તેવા ખેડૂતોને લાભ થશે. બજારમાં વેચાણ થતાં તેઓ મજૂરોને મજૂરીના પૈસા ચૂકવવાના બાકી છે તે ચૂકવી શકશે. આ ઉપરાંત કૃષિના આનુષાંગિક ખર્ચા પણ ચૂકવી શકશે.
નાના કૃષિકારો કે જેઓનું અર્થતંત્ર કૃષિ પેદાશના ઉત્પાદન તથા વેચાણ પર આધારિત છે, તેવા ખેડૂતોને આનાથી ખૂબ મોટો લાભ થવા પામ્યો છે. કાપણી અને વાવણીની સિઝનને ધ્યાનમાં રાખીને આ નિર્ણયથી રાજ્યના કૃષિકારોને મોટો લાભ થશે.
આજથી શરૂ થયેલ બાવળા એ.પી.એમ.સી.માં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુરક્ષા અને તકેદારીના પૂરતા પગલા લેવામાં આવ્યા છે. સંભવિત સંક્રમણને અટકાવવા માટે મર્યાદિત સંખ્યામાં ખેડૂતોને પ્રવેશ આપવામાં આવે છે. જે વેપારીઓ માલ ખરીદવા આવે છે તેમને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને નિર્ધારિત અંતરે કરવામાં આવેલ કુંડાળામાં ઉભા રહીને જ કૃષિકારોના માલના ભાવ નિર્ધારિત કરે છે. આ ઉપરાંત એ.પી.એમ.સી.માં આવતા તમામ લોકોને થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને અને સેનેટાઇઝેશન કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
અમદાવાદ : બાવળા એ.પી.એમ.સી. આજથી ફરી શરૂ આ ઉપરાંત જે ટ્રેક્ટરમાંથી સામાન વેચાણ થયા બાદ ઉતરી ગયો છે, તો તે ટ્રેક્ટર કે કૃષિ પેદાશ લઇને આવેલ વાહનને તે એ.પી.એમ.સી.માંથી બહાર નીકળે ત્યારે પણ તેને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ્ડ કરવામાં આવે છે, તેમ બાવળા પ્રાંત અધિકારી કુંજલ શાહે જણાવ્યું છે.