અમદાવાદ: બાબુ બોખીરિયા કેસમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રિટનો નિકાલ કરતા રાજ્ય સરકારને મહત્વનો આદેશ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, ગામની સ્થાનિક પંચાયતને સાંભળ્યા વગર કોઈપણ પ્રકારના પગલા લેવા નહીં. આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષો પહેલાં સરકાર દ્વારા માપણી કરવામાં ભૂલ કરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જે ભૂલ હવે જોઈન્ટ સર્વે કરીને સ્વીકારવામાં આવશે.
હાઈકોર્ટે કહ્યું-જમીન વિવાદે મુદ્દે પંચાયતને સાંભળો પછી પગલાં લો હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે 3 કિલોમીટર દૂર માપણી કરવાની હતી, પરતું માપણીમાં સરકાર દ્વારા ભૂલ થઈ હતી અને હવે જોઈન્ટ સર્વે કરીને એ ભૂલ સ્વીકારવામાં આવશે. હાઈકોર્ટે આ મુદ્દે અરજદારને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી નોટિસનો જંગલ ખાતા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા બાબુ બોખીરિયાના સગા સબંધીની ભાગીદારી પેઢી કોર્ટમાં સામેથી હાજર થઈ હતી અને આ મુદ્દે જવાબ રજૂ કરવા સમયની માગને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પૂર્વ પ્રધાન બાબુ બોખીરિયા અને તેમના સબંધીઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે. જામનગરની પરવાડા ગ્રામ પંચાયત તરફથી જંગલની 200 હેક્ટર જમીન પચાવી પાડવાનો આરોપ બાબુ બોખીરિયા પર લગાવવામાં આવ્યો છે.
બાબુ બોખીરિયા અને તેમના સગા સબંધીઓ પર હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. અંદાજિત 300 કરોડ રૂપિયાના કૌભાંડમાં બાબુ બોખિરીયાના જમાઈ અને પુત્રની માલિકીની કંપનીને કાયદા વિપરીત જઈને જમીન અપાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.