- કોરોના મૃતકોના મામલે સરકાર લોકોને ગુમરાહ કરે છે
- સરકારે ગૃહમાં કોરોના મૃતકોનો કુલ આંકડો 3864 રજૂ કર્યો
- આરોગ્ય વિભાગની સાઇટ પર કોરોનાના 10,084 આંકડા છે
અમદાવાદ- વિધાનસભામાં કોરોનાના મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી હતી. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેની ન્યાય યાત્રા દરમિયાન 36000 પરિવાર સુધી પહોંચ્યું છે. દરેક કોરોના મૃતક પરિવારને ચાર લાખ રૂપિયા આપવાની માંગ કોંગ્રેસ કરે છે. આ સહાયને સરકારે નકારી છે અને ફક્ત 50,000 રૂપિયાની મામૂલી રકમ સરકાર આપવાની વાત કરે છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાના સરકાર પર પ્રહાર સરકાર કોરોના મૃતકોના આંકડા છુપાવે છે
સરકાર ગ્રુહમાં પણ કોરોના મૃતકોના સાચા આંકડા આપતી નથી. સરકારે કોરોનામાં મૃત્યુ પામેલાનો આંકડો 3,864 જણાવ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગની વેબ સાઈટ પર તે 10,084 બતાવે છે. જ્યારે કોંગ્રેસે કરેલી પીઆઇએલ અને હવર્ડના સર્વે અનુસાર ગુજરાતમાં 3.34 લાખ લોકોના મૃત્યુ થયા છે.
16 હજાર બાળકો અનાથ બન્યા
સાબરકાંઠા જિલ્લામાં જ કોરોનાથી મૃત્યુની સંખ્યા 235 ગણાવાઈ છે, પરંતુ કોંગ્રેસે કરેલા RTI પ્રમાણે સાબરકાંઠાની પાંચ નગરપાલિકામાં જ 219 લોકોના મૃત્યુ કોરોનાથી થયા છે. કોરોનાના કારણે ગુજરાતમાં 16 હજાર જેટલા બાળકો અનાથ બન્યા છે. 106 નગરપાલિકામાં આરટીઆઇ મુજબ જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2021 સુધી 87,773 લોકો મૃત્યુ પામ્યા છે. માર્ચ 2020થી 2021 સુધીમાં 1.25 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. આમ તફાવત મોટો છે.
મુખ્યપ્રધાનના રાજીનામાંથી લાભ નહીં
ભાજપે પોતાની નિષ્ફળતા છુપાવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રાજીનામુ લીધું હતું, પરંતુ તેનાથી હકીકત બદલાવવાની નથી. કોંગ્રેસ છેલ્લા ચાર અઠવાડિયામાં 45 હજાર પરિવારને મળી છે. તેમને કોરોના મૃતકોના વળતર માટે અરજી કરી છે. અમે આ અંગે સરકારનો વિધાનસભામાં વિરોધ કર્યો છે. તેઓએ અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની વાત કરી. મુખ્યપ્રધાન કોંગ્રેસના પ્રશ્નોથી ભાગ્યા છે, પરંતુ અમે સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ પણ જવા તૈયાર છીએ.
આ પણ વાંચો-ખાનગી શાળાનો મોહભંગ: રાજ્યના બે મહાનગરોમાંથી મોટી સંખ્યામાં ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ
આ પણ વાંચો-કોરોનાની રસી, હૉસ્પિટલ અને સહાયને લઈ વિધાનસભામાં કૉંગ્રેસનો હોબાળો, 25 મિનિટ ગૃહ મુલતવી રહ્યું