અરજદાર અશ્વિન રાઠોડ દ્વારા જે પોસ્ટલ બેલેટને પુરાવવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. એ મુદ્દે ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ દ્વારા લેખિત એફિડેવિટ રજૂ કરવામાં આવશે. અગાઉ કોર્ટે આપેલા ચુકાદામાં આ મુદ્દે ગુંજાશ બાકી રાખતા અશ્વિન રાઠોડ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા નવા પુરાવા પર ચૂંટણી અધિકારી ધવલ જાનીની ઉલટ તપાસની માંગ કરતા કોર્ટે એસ.વી રાજુને ધવલ જાની ઉલટ તાપસમાં સહયોગ કરશે કે નહીં એ મુદે લેખિતમાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
અગાઉ હાઈકોર્ટે ચૂંટણી અધિકારી ધવલ જાનીની માંગને માન્ય રાખતા અરજદાર અને ધોળકા બેઠકથી કોંગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડની ઉલટ તપાસ કરી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, પુનઃમતગણતરીની બે વાર લેખિત વાંધા અરજી કરી હોવા છતાં ચૂંટણી અધિકારી ધવલ જાનીએ ધ્યાને લીધી નથી અને તેમની આગેવાનીમાં ચાર-પાંચ ચૂંટણી અધિકારી પોસ્ટલ બેલેટની કાઉન્ટીંગ અને રિજેક્ટ કરતા હતા.
કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારનાર કોગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડે કોર્ટમાં ઉલટ તપાસ જણાવ્યું હતું કે, તેમણે વીવીપેટની ગણતરી માટે નહીં પરતું મતની પુનઃગણતરી માટે બે વાર લેખિત અરજી કરી હતી. જેને ચૂંટણી અધિકારી ધવલ જાની દ્વારા ધ્યાને લેવામાં આવી ન હતી. ચૂંટણી અધિકારી ધવલ જાની ઉપર હતા અને તેમના ઈશારે ચાર-પાંચ અધિકારીઓ અલગ અલગ ખાનામાં બેસીને કાર્ય કરતા હતા અને દસ મત-પત્રક જે જાનીને બતાવવામાં આવ્યા હતા, તેના પર સહી ન લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને એજ ફોર્મ નં-20 પીટીશન સાથે બિડાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો.
અગાઉ અરજદાર અશ્વિન રાઠોડે જુબાનીમાં જણાવ્યું હતું કે આખી પીટીશનમાં ચૂંટણી અધિકારી શબ્દ ધવલ જાની માટે વાપર્યું છે, અને મત-ગણતરીના કામકાજ દરમ્યાન આખો દિવસ હાજર રહ્યાં હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સાક્ષી તરીકે જુબાની આપવા આવેલા ચૂંટણી અધિકારી ધવલ જાનીની ભુમિકા કોર્ટને શંકાસ્પદ લાગતા તેમને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને કેસને લગતો વલણ લેખિતમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જેમાં તેમણે કોગ્રેસી ઉમેદવાર અને અરજદાર અશ્વિન રાઠોડની ઉલટ તપાસની માંગ કરી હતી.