અમદાવાદઃ આ વખતે સરકારે કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે જાહેર ઉત્સવો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કરોડોના તહેવારોના માર્કેટ સાથે સંકળાયેલા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. નવરાત્રિ એ ગુજરાતનો આત્મા કહી શકાય. દરેક ગુજરાતી અબાલથી લઈને વૃદ્ધો સુધી નવરાત્રિમાં ગરબે ઝૂમતાં જોઈ શકાય છે.
નવરાત્રિના ઉત્સવ સાથે એક મોટી આર્થિક વ્યવસ્થા સંકળાયેલી છે. જેમાં ખાણીપીણી બજાર, ચણિયાચોળી બજાર, લાઇટિંગ બજાર, આર્ટિફિશિયલ જ્વેલરી બજાર તેમજ સંગીત બજારનો પણ સમાવેશ થાય છે. જોકે, આ વખતે જાહેર ગરબા કરવાની પરમિશન ન અપાતા. લોકડાઉનના લીધે બેરોજગાર બનેલા નાના ધંધાદારીઓ અત્યારે પણ બેરોજગાર જ છે, તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
નવરાત્રિ હાથવેંતમાં છતાંય આર્ટિફિશિયલ જવેલરી માર્કેટમાં ઘોર મંદી - મંદી
કોરોના વાઈરસની અસર સમગ્ર દેશના અર્થતંત્ર પર પડી છે. દેશની અર્થવ્યવસ્થા મંદીના ભરડામાં છે. ત્યારે ભારત ઉત્સવપ્રેમી દેશ છે. ભારતનું અર્થતંત્ર ઘણી વખત ઉત્સવોને કારણે પાટા પર ચડી જતું હોય છે. બજારને તહેવારો બૂસ્ટર પુરું પાડે છે. તહેવારોમાં દરેક લોકો નાની-મોટી ખરીદીઓ કરતાં હોય છે.
જો કોરોનાવાઈરસના સંક્રમણ સમયે મંદીમાંથી બહાર કાઢીને અર્થતંત્રને ફરીથી ધબકતું કરવું હોય ત્યારે પ્રતિબંધોની જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે છૂટછાટ આપવી જરૂરી છે. તો જ બજારમાં પૈસો ફરતો થશે અને નવી રોજગારીઓનું સર્જન થશે. અમદાવાદના આર્ટિફિશિયલ જ્વેલરી સાથે સંકળાયેલા હજારો નાના વેપારીઓ અત્યારે મુશ્કેલીમાં છે. તેમની માગ છે કે, સરકાર તેમના પાસેથી કોરોનાના નામે દંડ ન ઉઘરાવે, માર્કેટ બંધ ન કરાવે અને નવરાત્રીને લઇને છેલ્લી ઘડીએ પણ થોડી છૂટ આપે, તો તેમનું ઘર ચાલે તેટલી આવક થાય તેવી તેઓ આશા રાખી રહ્યાં છે.