- ગુજરાત કેડરની 1986ની બેન્ચના IFS અધિકારી
- ડૉ.એ.કે.વર્માની 4 વર્ષ માટે થઈ નિમણૂક
- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં નિષ્ણાત સભ્ય તરીકે નિમણૂક
અમદાવાદઃ ડૉ.એ.કે.વર્મા 1986ની બેન્ચના IFS અધિકારી છે. તે ગુજરાતના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ તરીકે વર્ષ 2019માં નિવૃત્ત થયા હતા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં નિષ્ણાત સભ્ય તરીકે 4 વર્ષ માટે તેમની નિમણૂકને 12 ડિસેમ્બરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
ડૉ.વર્મા કેન્દ્ર અને રાજ્ય સરકારના વહિવટના અનુભવી
આદિવાસી વિકાસ નીતિમાં Ph.Dની ડીગ્રી ધરાવતા ડૉ.વર્મા રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્નેનો વિવિધ વહિવટી પદનો બહોળો અનુભવ ધરાવે છે. તે વન સંવર્ધન વિદ્યા (ફોરેસ્ટ્રી), પ્રદૂષણ નિયંત્રણ, જંગલોની જાળવણી, પર્યાવરણ વ્યવસ્થાપન અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટમાં નિપુણતા ધરાવે છે. તેમણે ગુજરાત ઈકોલોજી કમિશનના સભ્ય સચિવ અને ગુજરાતમાં વિશ્વ બેન્કના ભંડોળથી ચાલતા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેકટમાં પણ સેવા આપી છે. આ સાથે જ તેમણે યુનાઈટેડ નેશન્સની રણ આગળ વધતું રોકવા અંગેની કેન્દ્ર સરકારની કન્સલ્ટેટિવ કમિટી (UNCCD) અને કમિશન ઓન સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ (CSD)માં પણ કામગીરી બજાવી છે.
ઉર્જા મંત્રાલયમાં પણ સેવા આપી ચુક્યા છે
ડૉ.વર્મા ઉર્જા ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે અને તે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર પદે તથા ઉર્જા મંત્રાલયમાં સંયુક્ત સચિવ પણ રહી ચૂક્યા છે. તેમણે REC, PFC, NHPC, PTC અને SJVNLના બોર્ડમાં પણ ફરજ બજાવી છે.