- AMCની જુનિયર ક્લાર્કની જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવા હાઇકોર્ટમાં અરજી
- કોર્ટે AMCને ઇસ્યુ કરી નોટિસ, 22મીએ થઇ શકે છે સુનાવણી
- 434 જેટલી જગ્યાઓની લેવાઈ હતી પરીક્ષા
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)માં આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક (Assistant Junior Clark)ની ખાલી પડેલી 52 જેટલી જગ્યાઓને અગાઉ લેવાયેલી પરીક્ષાના વેઇટિંગ લિસ્ટ (Waiting List) મુજબ ભરવામાં આવે તે મામલે આજે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટે આ મામલે મનપાને જવાબ રજૂ કરવા માટે નોટિસ ઇસ્યુ કરી હતી. આ માટેની વધુ સુનાવણી 22 ઓક્ટોબરે થઇ શકે છે.
2019-20માં કુલ 434 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી
AMCએ વર્ષ 2019-20 માં મનપાના જુદા જુદા વિભાગો માટે કુલ 434 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી, જેની સામે સામાન્ય સ્થિતિની જેમ ઉમેદવારોને પસંદગી આપવાની સાથે વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોનું પણ લિસ્ટ તૈયાર થયું હતું. હાલમાં મનપાના જુદા જુદા વિભાગોમાં 52 જેટલી આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે. એક તરફ ઓછા મહેકમને કારણે મનપાના અધિકારીઓ ઉપર કામનો ઓવરલોડ છે, ત્યારે બીજી તરફ ઉમેદવારોએ વેઇટિંગ લિસ્ટ મુજબ સિલેક્શન મેળવવા હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડી રહ્યા છે.