ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામની આરપાર : ભાજપે હરખાવા જરૂર નથી - ગાંધીનગર ચૂંટણી પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકા(Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીના પરિણામ આવી ગયાં છે, 11 વોર્ડની 44 બેઠકોમાંથી 41 બેઠક પર ભાજપની જીત થઈ છે. હાલ ભાજપ વિજયોત્સવ મનાવી રહ્યું છે, ભવ્ય વિજયની ઉજવણી કરાઈ છે, પણ પરિણામને બારીકાઈથી જોઈએ તો આ પરિણામ(Election Results)થી ભાજપે હરખાવાની જરૂર નથી. ETV Bharatનો વિશેષ અહેવાલ....

analysis of gandhinagar municipal corporation election results
ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામની આરપાર

By

Published : Oct 5, 2021, 8:32 PM IST

  • ગાંધીનગર ચૂંટણીના પરિણામની આરપાર
  • આમ આદમી પાર્ટી મજબૂત ત્રીજો પક્ષ બન્યો
  • આમ આદમીએ કોંગ્રેસના મત કાપ્યાં

અમદાવાદ : ગાંધીનગર મનપાની ચૂંટણી (Gandhinagar Municipal Corporation)ના પરિણામ પર એક નજર નાખીએ તો સ્પષ્ટ દેખાશે કે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ ચૂંટણી લડીને મત પણ કાપ્યાં છે. ગાંધીનગરની જનતાએ ભાજપની વિરુદ્ધ અને કોંગ્રેસની વિરુદ્ધ જઈને આપને મત આપ્યા છે. એટલે કે કોંગ્રેસનો જ મતદાતા આમ આદમી પાર્ટી તરફ વળીને મત આપી આવ્યો છે. આથી, તેમ કહી શકાય કે કોંગ્રેસના મત(Election Results) ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ કાપ્યાં છે.

23 બેઠક પર ભાજપનો જનાધાર નથી છતાં જીત

કુલ 44 બેઠકોની ચૂંટણીના પરિણામ આપણી સામે આવી ગયા છે, તેમાંથી 23 બેઠકો એવી છે કે જેમાં ભાજપ વિરુદ્ધનો જનાધાર છે. તેમ છતાં તે બેઠકો પર ભાજપ જીતી ગયું છે. આ ચૂંટણી જંગમાં ધારો કે આમ આદમી પાર્ટી ન હોત તો 44માંથી 23 બેઠકો પર કોંગ્રેસની જીત થાત. હવે આપણે ગણિત સમજીએ કે કુલ 11 વોર્ડના 44 બેઠકોના પરિણામમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા મતનો સરવાળો કરીએ તો 23 બેઠક પર ભાજપના જીતેલા ઉમેદવારના મત કરતાં વધુ મત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળ્યાં છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો 23 બેઠકો પર ભાજપની વિરુદ્ધનો જનાધાર છે, તેમ છતાં તે બેઠક પર ભાજપનો વિજય થયો છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા મતનો સરવાળો

વોર્ડ નંબર 3ની વાત કરીએ તો ભાજપે 3 બેઠક અને કોંગ્રેસે 1 બેઠક જીતી છે. ભાજપના જે ઉમેદવાર જીત્યાં છે, તેમાં (1) 4346 મત (2) 4231 મત (3) 4087 મત અને કોંગ્રેસના જે ઉમેદવાર જીત્યાં છે તેમને (4) 5598 મત મળ્યા છે. હવે સામે કોંગ્રેસના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળેલ મતનો સરવાળો કરીએ તો (1) 3854+ 2182 = 6036 મત થાય (2) 5598+1782 = 7380 મત થાય (3) 3600+2650 =6210 મત થાય (4) 2905+2011 = 4916 મત થાય. આ કુલ મત ભાજપના ઉમેદવારને મળેલા મત કરતાં વધુ છે.

જનાધાર વગર ભાજપ કેવી રીતે જીત્યું ?

આવી જ રીતે કુલ 23 બેઠકો એવી છે કે, જ્યાં ભાજપના વિજયી ઉમેદવારો કરતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતનો સરવાળો વધુ છે. આથી કહી શકાય કે 23 બેઠક પર ભાજપનો જનાધાર નથી, છતાંય ભાજપ તે બેઠક પર જીતી ગયું છે. ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની લડાઈ હતી, આમ આદમીનો પનો ટૂંકો પડ્યો, પણ કોંગ્રેસના મત કપાયા, અને ભાજપ ઓછા માર્જિનથી જીતી ગયું છે.

કુલ 8 વોર્ડમાં ભાજપનો જનાધાર નથી

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા મતનો સરવાળો કરીએ તો વોર્ડ નંબર 7માં 2 બેઠક, વોર્ડ નંબર 9માં 2 બેઠક, વોર્ડ નંબર 4માં 3 બેઠક, વોર્ડ નંબર 8માં 2 બેઠક, વોર્ડ નંબર 11માં 4 બેઠક, વોર્ડ નંબર 2માં 2 બેઠક, વોર્ડ નંબર 6માં 4 બેઠક અને વોર્ડ નંબર 3માં 4 બેઠક મળીને કુલ 23 બેઠક પર ભાજપની વિરુદ્ધનો જનાધાર છે. તેમ છતાં હવે ગાંધીનગર મનપામાં વિરોધ પક્ષ વગરની ભાજપની જંગી બહુમતીવાળી બોડી બનશે.

સ્ટ્રેટેજી ઘડવામાં આમ આદમી પાર્ટી કાચી પડી

આમ આદમી પાર્ટી સ્ટ્રેટેજી ઘડવામાં કાચી પડી છે. ત્રીજા પક્ષ તરીકે તેણે કોંગ્રેસના જ મત કાપીને ભાજપને મદદ કરી છે, હાલ તો પરિણામ પરથી એવું ફલિત થાય છે. ભાજપે જે સ્ટ્રેટેજી ઘડી તે મુજબ જ કોંગ્રેસના મત કાપ્યાં અને ભાજપ 41 બેઠક પર જીત્યું.

2022 વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ જ થશે ?

ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું ત્યારે રાજકીય વર્તુળોમાં ત્રિપાંખીયા જંગની વાતો થઈ છે. પરિણામના દિવસે તસવીરની બીજી બાજુએ ચોખ્ખું દેખાઈ ગયું છે કે, આ ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે આવેલા આપના ત્રેખડે કોંગ્રેસની પરંપરાગત વોટ કાપી લીધાં અને ભાજપ સત્તામાં આવી ગયું છે. તો શું 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ જ થશે ? તે પ્રશ્ન થાય તે સ્વભાવિક છે. આમ આદમી પાર્ટીએ નવી સ્ટ્રેટેજી ઘડવી પડશે અને ભાજપે પણ કમર તો કસવી જ પડશે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ETV Bharat- ગુજરાત...

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details