- અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ ગઈકાલે સોમવારે આપ્યું હતું રાજીનામું
- દિનેશ શર્માએ રાજીનામું આપ્યાં બાદ મામલો વધુ ગરમાયો
- કોંગ્રેસ કાર્યાલય બહાર સમર્થકોએ કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ખાલી પડેલી 8 બેઠકો ઉપર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્મા દ્વારા રાજીનામું પક્ષમાં ધરી દેવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જેને લઇને શર્માના સમર્થકો દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બે ધારાસભ્યોના વિરોધના પગલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે તેમણે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે, મેં પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યું છે અને હું કોંગ્રેસનો સૈનિક છું .ઉલ્લેખનીય છે કે પહેલાં પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા પત્ર લખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા રાજીનામાની માંગ ઉઠી હતી અને અંતે તેમણે પોતાના પદ પરથી સોમવારના રોજ રાજીનામું આપી દીધું હતું.
- કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પહોંચ્યો ચરમસીમાએ
છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના આંતરિક વિખવાદને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હોવાની વાતે પણ જોર પકડ્યું છે. જોકે ચૂંટણી પહેલાં કોંગ્રેસના આંતરિક વિખવાદ પણ પક્ષને નુકસાન પહોંચાડી શકે તેવી ચર્ચા જોવા મળી રહી છે. પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોંગ્રેસના આંતરિક વિખવાદ સામે આવ્યો છે થોડા સમય પહેલાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને કાર્યકરો દ્વારા દિનેશ શર્માને બદલવાની માગ ઊભી થઈ હતી. ત્યારથી જ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો હતો જેને લઇને શર્માએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું.
- દિનેશ શર્માને હટાવવાની વાત કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યોએ કર્યો હતો વિરોધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા બદલવાની માગ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા જ કરવામાં આવી હતી. એ મહત્વનું છે કે, સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે જ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા તેમને હટાવવાની માગ ઊભી થઈ હતી. જોકે એવી પણ ચર્ચા થઈ રહી છે કે બંને ધારાસભ્ય માત્ર વિરોધ કરી રહ્યાં હતાં. જોકે હવે દિનેશ શર્માએ રાજીનામું ધરી દેતાં જ કોંગ્રેસને ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ દિનેશ શર્માના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
- વિરોધ પ્રદર્શનમાં સમર્થકો ભૂલ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ
મહત્વની વાત એ પણ છે કે, કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા આવેલા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું ભૂલી ગયા હતાં. જાણે કોરોના વાઇરસને સામેથી આમંત્રણ આપવા માટે આવ્યા હોય તેવી સ્થિતિ પણ નિર્માણ થઈ હતી. એક બાજુ અમદાવાદ શહેર પોલીસ સામાન્ય નાગરિક જ્યારે માસ્ક વગર બહાર જોવા મળતો હોય છે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકીય પક્ષોને શા માટે ઢીલું મૂકવામાં આવતું હોય છે તેવા પણ સવાલો ઊભા થયાં હતાં.