અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકડાઉન 4માં કેવા પ્રકારની છૂટછાટ મળશે તે અંગે આજે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના સીએમ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરતા અમદાવાદ અને સુરત સિવાય રાજયમાં તમામ સ્થળે એસટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ સિવાય કન્ટેન્મેન્ટ ઝોન સિવાય ટેક્સી અને કેબની પણ છૂટછાટ અપાઇ છે, પરંતુ અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસો ચાલુ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પૂરતી કાલથી કોઈપણ સીટી બસ ચાલુ નહીં થાય. જો કે, એવું જણાવવામાં આવ્યું હતું કે નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બસની સેવા શરૂ થશે, પરંતુ સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે, એએમટીએસ અને બીઆરટીએસની સેવાઓ શરૂ નહીં થાય
અમદાવાદમાં કાલથી AMTS અને BRTSની સેવાઓ શરૂ નહીં થાય સીએમ રૂપાણીએ ફરી અર્થતંત્ર ધબકતું થાય તે માટે કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઓફિસો શરૂ કરવાની પણ છૂટ આપી દીધી છે. જો કે તેમાં માત્ર 33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ચાલુ રાખી શકાશે. કોરોનાથી બચવા માટે જરૂરી છે માસ્ક, જેથી સામાન્ય માણસ પણ માસ્ક ખરીદી શકે તે માટે પાંચ રૂપિયાની કિંમતે માસ્ક વેચવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં અમૂલ પાર્લર પર પાંચ રૂપિયામાં માસ્ક વેચાશે તેવી જાહેરાત કરી છે.
લોકડાઉનની સ્થિતિમાં હેર-કટીંગ સલૂન અને બ્યૂટી પાર્લર બંધ રહ્યાં છે. જેથી તેની જરૂરિયાતને જાણીને નોન કન્ટેમેન્ટ ઝોનમાં સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે હેરકટીંગ સલૂન અને બ્યૂટી પાર્લર ખોલવાની પરવાગની આપી દેવાઇ છે.