- રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ફટાકડાની કરી આતશબાજી
- રામોલમાં રાત્રિ કર્ફ્યુ ભંગ થતો વિડિયો થયો વાઈરલ
- લોકોએ પોલીસને કરી ફરિયાદ
- પોલીસ અને યુવકો વચ્ચે થઈ બોલાચાલી
અમદાવાદ:રામોલ વિસ્તારમાં પોલીસની કામગીરી સામે દિવસે ને દિવસે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન દુકાનો ચાલુ હોય કે બર્થ-ડે કેક કાપવાની ઉજવણી હોય પોલીસની કામગીરી સામે સવાલ થયા છે. ત્યારે રામોલમાં વધુ એક ઘટના આવી જ સામે આવી છે. જેમાં વસ્ત્રાલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ પાસે રાત્રિ કર્ફ્યૂમાં બર્થ-ડે હોવાથી જાહેર રોડ પર કેટલાંક યુવકોએ મોડી રાત્રે આતશબાજી કરી હતી. જેનો સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરતા રામોલ પોલીસ પહોંચી હતી. ત્યાં પોલીસ અને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
સ્થાનિકે આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો
જેમાં વસ્ત્રાલ RTO રોડ પર શાશ્વત મહાદેવ પાસે કેટલાક યુવકો ફટાકડા ફોડી અને આતશબાજી કરે છે તેવો કંટ્રોલ મેસેજ 2 માર્ચના રાત્રે મળ્યો હતો. જેથી રામોલ પોલીસની ગાડી ત્યાં પહોંચી હતી. પોલીસની ગાડી આવતા જ યુવકો નાસી ગયા હતા. પોલીસની ગાડી ઉભી રહી ત્યારે ત્રણ યુવકો ત્યાં ઉભા હતા. તે યુવકોને પોલીસ પકડવા ગઈ ત્યારે યુવકોએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. એક સ્થાનિકે આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. 10 મિનિટ સુધી પોલીસ અને આ યુવકો વચ્ચે બોલાચાલી ગાળાગાળી થઈ હતી અને એક યુવકે પોલીસ સામે દંડો લઈને જતો હોવાનું પણ વિડિયોમાં જોવા મળે છે. પોલીસની બીજી ગાડી આવે છે ત્યારે બે યુવકો ત્યાંથી ખેતર તરફ નાસી પણ જાય છે.