અમદાવાદ:કોંરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન આવામાં આવ્યું હતું. જો કે, કોંરોનાનો કહેર હજુ પણ યથાવત છે. અમદાવાદમા ગુજરાતના સૌથી વધારે કેસ છે. ત્યારે હવે સરકાર દ્વારા અનલોક 1.0 કરવામાં આવ્યું છે.પરંતુ સરકાર દ્વારા કોંરોનાથી બચવા માટે નિયમોનું પાલન પણ કરવા માટે માર્ગદર્શિકા બહાર પડાઈ છે. તેનું પાલન કરતા આજે અમદાવાદનું સૌથી મોટું કાલુપુર શાકભાજી માર્કેટ ખોલવામાં આવ્યું છે. જ્યાં લોકોની સૌથી વધારે ભીડ જોવા મળતી હોય છે. તેવા સમયે સરકારની ગાઈડલાઈન મુજબ જે પણ નિયમો જાહેર આવ્યાં છે, તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદનું પ્રખ્યાત કાલુપુર શાકમાર્કેટ 70 દિવસ બાદ ખુલ્યું
અમદાવાદ શહેરનું પ્રખ્યાત કાલુપુર શાકમાર્કેટ 70 દિવસ બાદ આજે બુધવારથી ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં કોરોના વાઇરસને લઈને પૂરતા તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. માર્કેટમાં પ્રવેશતાં સમયે ગ્રાહકોને ટોકન આપવામાં આવે છે. તેમનું ટેમ્પરેચર પણ માપવામાં આવી રહ્યું છે. તેમને સેનિટાઈઝર અપાય છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ તે માટે પણ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.
માર્કેટના પ્રવેશ દ્વાર પાસે ગ્રાહકને ટોકન આપવામાં આવે છે અને 40 મિનિટનો સમય આપવામાં આવે છે. ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવે છે. કાલુપુર શાકભાજી માર્કેટમાં અત્યારે રોજના 800 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. જો કે, માર્કેટનો સમય સવારે 5થી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તેમાં બહારથી આવનારા લોકો માટે કે ખેડૂતો માટે બપોરે પ્રવેશ આપવામાં આવે છે.
માર્કેટમા સાંજે 4 વાગ્યા પછી એન્ટ્રી બંધ કરી દેવામાં આવે છે. જેથી 5 વાગ્યા સુધીમાં માર્કેટ બંધ થઈ શકે. જો કે માર્કેટના પ્રમુખ સાથે વાત કરતા તેમણેે જણાવ્યું હતું કે લોકો દ્વારા પહેલા દિવસે જ માર્કેટ ચાલુ કરતાં ખૂબ જ સારો સહયોગ આપવામાં આવ્યો છે.લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરતાં જોવા મળે છે.