- સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ કરી ETV BHARAT ખાસ વાતચીત
- રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવાર કર્મઠ: ડૉ.સોલંકી
- પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ માર્કેટ આધારિતઃ સાંસદ
અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી, પેટ્રોલિયમ પ્રોડકટના વધતા ભાવ, અમદાવાદ શહેરના ચૂંટણી મેનિફેસ્ટોના મુદ્દાઓને લઈને ETV ભારતે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સાથે વાતચીત કરી હતી.
ભાજપ હંમેશા પરિવારવાદથી ઉપર ઉઠીને કર્મઠ નેતાઓને જ તક આપે છેઃ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી
સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ જણાવ્યું કે, રાજ્યસભાના સાંસદ માટે ભાજપના ઉમેદવાર દિનેશ પ્રજાપતિ ઉત્તર ગુજરાતના જુના કર્મઠ નેતા છે અને ઓબીસી સમાજના અગ્રણી છે. જ્યારે રામ વેકરીયા કુરિયરના માધ્યમથી સેવા કરી રહ્યા છે. પાર્ટીના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ અને આ ઉમેદવારોને અભિનંદન આપીએ છીએ. ભાજપ હંમેશા પરિવારવાદથી ઉપર ઉઠીને કર્મઠ નેતાઓને જ તક આપે છે. વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ રજૂ કરેલો મેનિફેસ્ટો બેલેન્સડ છે. તેમાં વિગતવાર શહેરના વિકાસને લઇને માહિતી આપેલી છે. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને સ્માર્ટ સિટીના વિકાસ ઉપર ભાર મુકાયો છે. સ્માર્ટ સિટી અમદાવાદને ઉત્તમ બનાવવાની કામગીરી અત્યાર સુધી કરાઈ છે. જ્યારે આગળના વર્ષોમાં તેને અતિ ઉત્તમ બનાવવાની કામગીરી કરાશે. ભાજપનું લક્ષ્ય ફક્ત સત્તા મેળવવાનું નહીં, પરંતુ સારા કામ આપવાનું છે.
ભાજપના કર્મઠ નેતાઓ પ્રજાની વચ્ચે ગયા અને કોરોના ગ્રસ્ત થયાઃ કિરીટ સોલંકી
સાંસદ કિરીટ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, પેટ્રોલિયમ પ્રોડક્ટનો ભાવ ઉપર-નીચે થવા એ માર્કેટ આધારિત છે. ભારતીય જનતા પાર્ટીમાં લોકોનો વિશ્વાસ છે અને લોકો વિકાસ અને ભાજપની સાથે છે. જોકે, અહીં ડોક્ટર કિરીટ સોલંકીએ પેટ્રોલ પર 50 ટકા કરતાં વધુ લેવાતા ટેક્સ અને તેમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપવાની વાતનો છેદ ઉડાડી દીધો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોરોના સંક્રમણ કાળમાં પણ મોટી સભાઓ કરીને કોરોના ફેલાવવાનું સાધન બન્યા છે તે મુદ્દે ડોક્ટર કિરીટ સોલંકીએ તેમનો બચાવ કરતાં કહ્યું હતું કે, કોરોનામાંથી બચવું અઘરું છે. તેઓ પોતે પણ કોરોના ગ્રસ્ત થયા હતા. જોકે, કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, મૃત્યુ દર ઘટી રહ્યો છે, રસી આવી ચૂકી છે. તેઓએ કહ્યું કે, 'ભાજપના કર્મઠ નેતાઓ પ્રજાની વચ્ચે ગયા અને કોરોના ગ્રસ્ત થયા.'
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ કરી ETV BHARAT સાથે ખાસ વાતચીત