- અમદાવાદ પીરાણા અગ્નિકાંડ મામલે કલેક્ટરે રિપોર્ટ તૈયાર કર્યો
- શ્રમ રોજગાર સચિવ 18 નવેમ્બર સુધી મુખ્યપ્રધાનને રિપોર્ટ સોપશે
- પીરાણા વિસ્તારમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગના કારણે 12 લોકોના થયા હતા મોત
અમદાવાદઃ શહેરમાં પીરાણા વિસ્તારમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગના કારણે 12 લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઇને રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રોજગાર સચિવ વિપુલ મિત્રાને તપાસ સોંપીને તાત્કાલિક રિપોર્ટ કરવાની સૂચના આપી હતી. જેને ધ્યાનમાં લઇને રોજગાર સચિવ વિપુલ મિત્રાએ સમગ્ર રાજ્યમાં આ રીતે ગેરકાયદેસર ચાલતા ગોડાઉન પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં થયેલી આગની ઘટનાને પગલે અમદાવાદ કલેક્ટરને રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી હતી. જેમાં શુક્રવારે રિપોર્ટ તૈયાર થયો છે, ત્યારે આ રિપોર્ટ પર વધુ અભ્યાસ કરીને શ્રમ અને રોજગાર વિભાગ 18 નવેમ્બર પહેલા રિપોર્ટ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપશે.
શ્રમ અને રોજગાર વિભાગ સમગ્ર રિપોર્ટનો અભ્યાસ કરી મુખ્યપ્રધાનને સોંપશે
શહેરમાં બનેલી આગની ઘટનાને લઇને તંત્રે કરેલી કાર્યવાહી અને ઘટનાનો રિપોર્ટ અમદાવાદ કલેક્ટરને તૈયાર કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો, જેને પગલે અમદાવાદ કલેક્ટર દ્વારા સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને શ્રમ અને રોજગાર વિભાગના સચિવ વિપુલ મિત્રાને આપવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગ સમગ્ર રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ તાત્કાલિક 18 નવેમ્બર પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રિપોર્ટ આપશે.
શ્રમ અને રોજગાર વિભાગે સમગ્ર રાજ્યમાં ખાસ ઝુંબેશ હાથ ધરી
અમદાવાદની ઘટના બાદ રાજ્યના શ્રમ અને રોજગાર સચિવ વિપુલ મિત્રાએ સમગ્ર રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સામે ખાસ ઝુંબેશ હાથ ધરવાની સૂચનાઓ સ્થાનિક તંત્રને આપી હતી. ત્યારે આ બાબતે અમદાવાદ કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા કેટલાક એકમોને સીલ પણ મારવામાં આવ્યા છે. આમ તમામ સ્થાનિક તંત્રએ કરેલા એકશન ટેકન રિપોર્ટ કે, જેમાં તંત્ર દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તે પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવશે. રાજ્ય સરકારને સમગ્ર રાજ્યનો એક્શન ટેકન રિપોર્ટ 18 નવેમ્બર પહેલા સુપરત કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકારે રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ગોડાઉન પર આ તમામ બાબતો પર ચર્ચા કરીને ખાસ નિયમ બનાવશે. જેથી આવી રીતે ગેરકાયદેસર કોઈપણ વ્યક્તિ અથવા તો સંસ્થા કાર્યરત કરી શકશે નહીં.