અમદાવાદઃ કોરોના કેર વચ્ચે પશ્ચિમ અમદાવાદમાં જીવન ધીરેધીરે રાબેતા મુજબ થઈ રહ્યું છે. લૉકડાઉન 4.0માં આપવામાં આવેલી છૂટ પ્રમાણે કેટલીક દુકાનોને પણ ખોલવામાં આવી રહ્યાં છે. સરકારી કચેરીઓ પણ ખોલવામાં આવી રહી છે. બુધવારે ગાંધી આશ્રમ પાસે આવેલી RTO કચેરીને પણ સેનેટાઇઝ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સેનેટાઇઝેશની પ્રક્રિયા બાદ તેને ખોલવામાં આવી શકે છે. જોકે તેની બિલકુલ બાજુમાં આવેલી કલેકટર કચેરીમાં કામ કરતા મોટી સંખ્યામાં કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા ભયનું વાતાવરણ સર્જાયું હતું. સૂત્રો મુજબ અમદાવાદ કલેકટર કચેરીને પણ સેનેટાઇઝ કરવામાં આવી શકે છે.
અમદાવાદઃ જૂની RTO કચેરીને સેનેટાઈઝ કરાઈ - અમદાવાદ
અમદાવાદ શહેરમાં નોનકન્ટેમેન્ટ વિસ્તારમાં શરતોને આધીન આર્થિક પ્રવૃતિઓ માટે કચેરીઓ ખોલવામાં આવી રહી છે ત્યારે ગાંધીઆશ્રમ પાસે આવેલી RTO કચેરીને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર કચેરી પરિસરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ અમદાવાદમાં સ્થિતિ જેટલી સારી છે તેનાથી વિપરીત સ્થિતિ પૂર્વ અમદાવાદ અને કોટ વિસ્તારની છે. અમદાવાદના દક્ષિણમાં આવતા દાણીલીમડા, મણિનગર, બહેરામપુરા, મધ્ય ઝોનના જમાલપુર, કાલુપુર, દરિયાપુર, શાહપુર અને પૂર્વ પટ્ટામાં અસારવા, મેઘાણીનગર, બાપુનગરમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ વિસ્તારોમાં મધ્યમ વર્ગીય અને ગરીબ વસતી વધારે હોવાથી ચાલીઓ અને ગીચ વસતીઓમાં સામાજિક અંતર અને અન્ય બાબતોનું પાલન ચુસ્તપણે થઈ શક્યું નથી અને એટલા માટે જ હજી પણ નદીના પૂર્વના વિસ્તારો હજી કોરોનામાંથી બહાર આવી શક્યાં નથી.