અમદાવાદ: શહેરમાં માર્ચ મહિનાથી કોરોનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે શહેરમાં મીડિયા જ્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે કોઈપણ પ્રકારની સાચી માહિતી મળતી નથી અને માહિતી છુપાવવામાં આવે છે. ત્યારે દેશની ચોથી જાગીર એવી મીડિયા પર AMCના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી કોરોના સંબંધિત આપવામાં આવતા સમાચારોને અફવા ગણાવી છે. મીડિયા જે સમાચાર લોકો સુધી પહોંચાડી રહ્યું છે, તેમાં અધિકારીઓના ઓફિશિયલ ક્વોટ વગરના સમાચારોને સાચા ન ગણવા જણાવ્યું છે. ઓફિશિયલ વેબસાઈટ પરના ન્યૂઝ સાચા ગણવા કહી મીડિયાને ખોટા ગણાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈ મીડિયાકર્મીઓ અને માધ્યમોમાં રોષ ફેલાયો છે.
મહત્વનું છે કે, જ્યારે પણ મીડિયાએ મ્યુનિસિપલ કમિશનર કે તેમના અધિકારીઓની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે અધિકારીઓ દ્વારા કોઇપણ ફોન ઉપાડવામાં આવ્યા નથી અને દરેક માહિતી ઓનલાઇન જ આપી દેવામાં આવે છે તેમ જણાવે છે. જ્યારે કોઈ પણ માહિતી અંગે અધિકારીનો ઓફિશિયલ કોટ લેવા માટે વિનંતી કરવા છતાં પણ કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી અને કોરોના મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી બાદ નવા આવેલા મ્યુનિ.કમિશનર મુકેશકુમાર અને ખાસ અધિકારી ડૉ.રાજીવ ગુપ્તાએ મીડિયાકર્મીઓથી દૂર રહેવાનો જ પ્રયાસ કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિવાદાસ્પદ ટ્વિટ, મીડિયા પર સાધ્યું નિશાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે. AMCના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી કોરોના સંબંધિત આપવામાં આવતા સમાચારોને અફવા ગણાવી છે. ઓફિશિયલ વેબસાઈટ પરના ન્યૂઝ સાચા ગણવા કહી મીડિયાને ખોટા ગણાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈ મીડિયાકર્મીઓ અને માધ્યમોમાં રોષ ફેલાયો છે.
કોરોનાની સાચી સ્થિતિ મીડિયા બતાવી રહ્યું છે, ત્યારે આજે AMCના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી મીડિયાને ટાર્ગેટ કરી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, કોરોનાના બિનસત્તાવાર સમાચારોથી દૂર રહેવું. સમાચારો જે અધિકારીના વર્ઝન વગરના હોય તેનો વિશ્વાસ ન કરવો. માત્ર ઓફિશિયલ વેબસાઈટ અને પેજનો જ વિશ્વાસ કરવો. આ વિવાદિત ટ્વિટથી મીડિયાકર્મીઓ અને માધ્યમોમાં રોષ ફેલાયો છે.
મેયર બિજલ પટેલ પણ છેલ્લા કેટલાય સમયથી મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રજાની જે વાત હોય છે તે પણ હવે ઓનલાઇન જ આપી દેવાય છે. જેથી સ્પષ્ટ જણાય છે કે, સત્તાધીશો અને અધિકારીઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. કોરોના મામલે અમદાવાદમાં સ્થિતિ બગડી રહી છે જેની વચ્ચે આ રીતે મીડિયાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું જણાય છે.