અમદાવાદ: સીલ કરેલ ગેરકાયદેસર મકાનોનું બાંધકામ તોડવામાં નહીં આવે તો બિલ્ડરની બીયુ પરમિશન રદ થશે - સીલ મારેલા બિલ્ડિંગો
અમદાવાદમાં કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં દુકાનો કે, અન્ય યુનિટો બનાવનારી બિલ્ડિંગ સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીલ મારેલા બિલ્ડિંગોમાં ગેરકાયદે બાંધકામો જે તે બિલ્ડર તોડશે નહીં, તો તેમની બીયુ પરમિશન રદ કરવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કર્યો છે. બે દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશને 125 બિલ્ડિંગની તપાસ કરી હતી. જેમાંથી 54 બિલ્ડિંગના 290 યુનિટ સીલ કરાયા છે. જેમાં બેઝમેન્ટમાં પાર્કિંગના બદલે દુકાનો કે, અન્ય પ્રવૃત્તિ શરૂ કરી દેવાઈ છે.
અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, જે બિલ્ડિંગના પ્લાનમાં પાર્કિંગની જગ્યા બતાવી છે, તે નહીં હોય તેવા તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં માત્ર તેમની સામે નોટિસ કાઢી સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ પછી પણ તેઓ બાંધકામ દૂર નહીં કરે તો બીયુ રદ કરી દેવાશે. ઈમ્પેકટ ફી ના કાયદા અંતર્ગત મંજૂર કરવામાં આવેલી પાર્કિંગની અરજીઓ પણ ફરીથી રીફર કરવા માટે તેમજ ખોટી રીતે મંજૂર થઈ હોય તેવી અરજીઓ સામે પણ તપાસ કરી બીયુ રદ કરવા સુધીના આદેશો મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે.