વિરમગામઃ જખવાડા ગામમાં વિધવા મહિલાઓ અને સ્વયં રોજગારી મેળવવા ઈચ્છતી મહિલાઓ માટે ખાખરા ગૃહ ઉદ્યોગ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે. ગ્રામીણ સંસ્થા અમદાવાદ સંચાલિત ખાખરા તાલીમ કેન્દ્ર સહયોગ શેર એન્ડ કેર ફાઉન્ડેશન અને સરપંચ મનોજ ગોહિલના પ્રયત્નોથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
ખાખરા ગૃહ ઉદ્યોગની ટ્રેનિંગ આપવા અમદાવાદથી જાનકી શાહ અહીં જખવાડા ગામની મહિલાઓને ટ્રેનિંગ આપી અને ખાખરા ગૃહ ઉદ્યોગને વેગ આપી રહ્યા છે. અનુમાન પ્રમાણે જ્યારે જાનકીબેન સાથે ચર્ચા કરી ત્યારે એક બેન જો 3 કલાક ખાખરા બનાવીને ટ્રેનિંગ લઈ ખાખરા બનાવે તો એમના આશરે 3 કલાકના રૂપિયા 250થી 300 જેટલી રોજગારી મેળવી શકે છે. ચોમાસા અને ઉનાળાની ઋતુમાં મહિલાઓને ક્યાંય બહાર જઈ રોજગારી મેળવવાની જરૂર ન પડે અને ઘરે ખાખરા બનાવી રોજગારી મેળવી શકે તે હેતુથી સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે.
જખવાડા ગ્રામ પંચાયતે પોતાના ગામના કોમ્યુનિટી હોલમાં સગડી, ગેસ, રો-મટિરિયલ વગેરેની વ્યવસ્થા કરી મહિલાઓને રોજગારી પૂરી પાડવા માટે ખાખરા ગૃહ ઉદ્યોગ કેન્દ્ર શરૂ કર્યું છે. આ સમગ્ર વ્યવસ્થામાં શ્રી ટ્રસ્ટ ગામ, શ્રી સંસ્થા અને શેર એન્ડ કેર ફાઉન્ડેશનનો સૌથી મોટો સહયોગ છે. આ સાથે જ તેઓ મહિલાઓને ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેઓ પગભર થાય તે હેતુથી ટ્રેનિંગ આપવામાં આવશે. જખવાડા ગામના સરપંચ મનોજસિંહ ગોહિલે ખાખરા ટ્રેનિંગના ક્લાસ શરૂ કરવામાં મદદ કરી હતી.
અમદાવાદઃ જખવાડામાં વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ખાખરા ગૃહ ઉદ્યોગ શરૂ કરાયો
જખવાડા ગામને સાંસદ ડો. મુજપુરાએ દત્તક લીધું છે અને ગામમાં ચાલતા ખાખરા ગૃહ ઉદ્યોગમાં તાલીમ મેળવતી મહિલાઓનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે તે હેતુથી સાંસદ ડો. મુજપુરા, પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રી પટેલ, કિરીટસિંહ ગોહિલ, હરિ ગોહિલ તેમ જ ભાજપ કાર્યકર્તાઓએ ખાખરા ગૃહ ઉદ્યોગ તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી.