અમદાવાદઃ લોકડાઉનમાં લોકો લાંબો સમય ઘરે બેઠા હતા તે દરમિયાન લોકોએ મોબાઈલનો ભરપૂર ઉપયોગ કર્યો હતો, તેમજ અનેક લોકો સાથે ઓનલાઈન ઠગાઈ પણ થઈ હતી. ત્યારે અમદાવાદમાં સોલા પોલીસે 1100 લોકો સાથે લોકડાઉનમાં છેતરપિંડી કરનારા 3 આરોપીની ધરપકડ કરી છે.
સોલા પોલીસને માહિતી મળી હતી કે ચંદલોડિયા વિશ્વકર્મા મંદિર પાસે પાર્લર પર 3 યુવાનો ઓનલાઈન ઠગાઈ કરી રહ્યા છે, જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી, ત્યારબાદ તેમની પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, ટેલિગ્રામ નામની એપ્લિકેશન પર ચેનલ બનાવી તેમાં પ્રમોટર દ્વારા જાહેરાત મુકાવતા હતા. લોભામણી જાહેરાત જોઈને કોઈ ક્લિક કરે તો સીધુ આરોપી સાથે ચેટ કરી શકાતું હતું, જેથી આરોપી ભોગ બનનારને મોબાઈલ, લેપટોપ, LED જેવી વસ્તુઓ સસ્તા ભાવે આપવાનું કહેતા હતા, જેમાં કસ્ટમનો માલ છે તેવું પણ જણાવતા હતા અને ભોગ બનનારને વિશ્વાસમાં લઈને 50 ટકા પેમેન્ટ મંગાવી લેતા હતા. એક વાર પેમેન્ટ મળી ગયા બાદ ભોગ બનનારનો ફોન નંબર બ્લોક કરી દેતા હતા. જે બાદ સામે વાળી વ્યક્તિને જાણ થતી હતી કે તેની સાથે છેતરપીંડી થઇ છે.